‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું છીંડું…!

૨ દિવસ પહેલા હું જયારે અમદાવાદથી ‘ગુજરાત ક્વીન’ના જનરલ ડબ્બામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઘણી વાતો ‘જાણ’માં હોવા છતાં બુદ્ધિ અને મન તેને ‘જાણભેદુ’ બનાવી ‘જાણ’બહાર કરીને ‘ઇન્ફિરિઅરીટી કોમ્પ્લેક્સ’ (લઘુતા ગ્રંથિ)થી પીડાઈને સદાયને માટે વ્યથિત રહે છે, એ બાબત પર ખુબ સારી એવી ચર્ચા થઇ. હા, જનરલ ચર્ચા જ (કારણ, ડબ્બો પણ જનરલ જ હતો ને..!). પરંતુ, ‘કોમન સેન્સ ઇસ નોટ ધેટ મચ કોમન.’ આવી જ વાતો પરથી પરદો ખુલ્યો. મારી સાથે ૩ મોટી ઉંમરના ભાઈઓ હતા, અને પોતપોતાની જગ્યાએ ખુબ સંતોષપૂર્વક રહીને જીવતા હતા. એક ‘ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ’(જી.ઈ.બી.)માં ૨૪ વર્ષથી નોકરી કરતા ભાઈ હતા. બીજા એક મલ્ટીનેશનલ કંપનીમાં લગભગ ૧૮ વર્ષથી જોબ કરતા એન્જિનેઅર હતા. અને ત્રીજા, એકદમ તેજસ્વી ચહેરો, એકદમ પ્રતિભાયુક્ત, સ્પષ્ટવક્તા અને અનુભવનો ખજાનો, ઈંગ્લીશ અને ગુજરાતી બંને ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ, જે માત્ર ૩ ચોપડી ભણેલા હતા.

ચર્ચા તો ૪ કલાક એકધારી સતત ચાલી, કે આવું કેમ?

આજે વ્યક્તિ પોતાની પાસે જે છે એ જોઈ કેમ નથી શકતો? હમેશા કેમ બીજાને જોઇને પોતાનો જીવ બાળે છે? બાળક ઉછેર આવો થોડો હોય? તંદુરસ્તી માટે વ્યક્તિ આટલું પણ કેમ નથી કરી શકતો? દરેકની નજર પશ્ચિમ તરફ જ કેમ વળી રહી છે? શું આપણે સાચે જ પ્રગતિ કરી રહ્યા છીએ? શું વ્યક્તિનું પોતાનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ નથી? આત્મગૌરવ અને ઈશગૌરવ રહ્યું છે ખરું? શું નેતાઓ ‘ફ્રી’ શબ્દ કહીને ઇનડાઈરેક્ટલી ગુલામ બનાવી રહ્યા છે? ૨૪ કલાક વીજળી પૂરી પડવી હોય તો શું કરવું જોઈએ? બાળકમાં ‘રાષ્ટ્રપ્રેમ’ને એક સંસ્કાર તરીકે ઇન્સ્ટોલ કરવામાં નહિ આવે છતાં દેશ પ્રગતિ કરશે ખરો? આવા અનેક…પ્રશ્નો અને એના સચોટ પારદર્શક જવાબોની મુદ્દાસર અને છણાવટભરી રજૂઆત. એમાંનો એક અંશ અહી રજુ કરું છું. આ દરેક સવાલો પર બધા પોતાના પ્રતિભાવો આપતા હતા અને હું દરેકનું સાંભળતો હતો. આખરે મેં પણ ચર્ચામાં ઝંપલાવ્યું. પ્રશ્નોનો હાર્દ પકડ્યો અને સિસ્ટમને અપગ્રેડ કરવા મને જે મુદ્દો યોગ્ય લાગતો હતો તે મેં કહ્યો.

શરૂઆત મેં કઈક આવી કરી.

http://drhefferan.com/wp-content/uploads/2013/03/Why-Parental-Involvement-in-a-Child%E2%80%99s-Education-is-Critical.jpg

“મને એવું લાગે છે કે શરૂઆત, એ ‘શરૂઆત’થી જ થવી જોઈએ. જે ભારતનું ભાવિ છે તેને જ અત્યારથી મજબૂત બનાવવાની જરૂર છે.” પછી એક ઉદાહરણ આપી મારી આ વાત વહેતી કરી.

“હું થોડા દિવસ પહેલા કોલેજ જતો હતો, ત્યારે રસ્તામાં એક મોડર્ન ‘મોમ’ પોતાના ૩-૪ વર્ષના બાળકનું સ્કુલબેગ અને હાથમાં એક ઇંગ્લીશની બુક લઈને પોતાના બંગલાની બહાર બસની રાહ જોઇને બેઠી હતી. આજે, કદાચ સ્કુલમાં એક્ઝામ હશે એવું લાગતું હતું એનું કારણ એ ‘મોમ’ના હાથમાં રહેલી બૂક હતી. શરૂઆતમાં તો એવું લાગ્યું કે ‘મોમ’ બહુ સારી રીતે ધીરે-ધીરે પોતાના બાળકને સમજાવે છે. હું ખુશ થયો. પછી, જરા નજીક જઈને જોયું, તો ખબર પડી કે ‘ડી.ઓ.જી.’-ડોગ…(૫) એકધારું બોલતી હતી અને પેલાને સવાર-સવારમાં શુળીએ ચડાવતી હતી. જરા ઈન્ટરેસ્ટીંગ લાગ્યું મને, હું જરા ૧૦ ફૂટના અંતરે ઉભો રહ્યો એમની પાછળ, અને નિહાળતો હતો. દાંત કચકચાવીને બોલી, “ડી.ઓ.જી.-ડોગ, આટલું ૧૦ વખત બોલી…તને આવડતું કેમ નથી?” અને એમ કહીને તરત પેલાનો હાથ પકડીને જોરથી હવામાં આગળ-પાછળ કર્યો.”

પછી મને સવાલ થયો કે, માર્કસની પાછળ માત્ર માતા-પિતા જ પડ્યા છે. થોડી-થોડી વારે હંમેશા યાદ અપાવ્યા કરવું કે અમે તારા માટે કેટલું કરીએ છીએ અને તને કોઈ જ ફિકર નથી. આવા શબ્દો હંમેશા બાળકના હૃદય-મન-બુદ્ધિના વિકાસને કુંઠિત કરે છે અને સર્કસમાં ઉભેલા રીંગ માસ્ટરની જેમ એ બાળકને દોડાવ્યા કરે છે. માર્કસના આધારે જ દરેક બાળકના ભવિષ્યની ફ્રેમ મઢી લેવામાં આવે છે, અને એ જ ‘દુનિયા કેટલી..?’ આવો સવાલ બાળકને પૂછવામાં આવે તો તે કહે, “આ વર્તુળ જેટલી..!” કમનસીબી..! આ દેશની..અને તેના ભવિષ્યની.

આ જ બાળક મોટો થાય ત્યારે કદાચ પોતાના કુટુંબમાંથી પ્રેમ નથી મળતો એવું માનીને(અલ્ટીમેટલી સમજીને) બીજે માત્ર ‘હવસ’નો પ્રેમ શોધવા ફાંફા મારે છે અને એ જ ચક્કરમાં ૫૦ ચક્કર ચલાવે છે અને છતાં, મમ્મી-પપ્પાને અને એ છોકરાને, ત્યારે પણ કેવી છોકરી જોઈએ…???

‘સુંદર, સુશીલ અને સંસ્કારી…’

કેમ ભાઈ..? આ ૫૦ માંથી કોઈ સુંદર, સુશીલ અને સંસ્કારી નહોતી..?

સુંદરતા એ કોઈના શરીરમાત્રની મોહતાજ નથી, જે ગમ્યું, મળ્યું અને ફેંક્યું. અને સુશીલમાં ‘શીલ’ છે ખરું એ છોકરામાં ? અને જો સંસ્કાર જ જોઈતા હોય તો પોતે માં-બાપે નાનપણમાં આ સંસ્કારનું સિંચન કરવું હતું ને. હા, પશ્ચિમી સંસ્કૃતિ સામે કોઈ વિરોધ નથી. તેનો પુરા સન્માન સાથે આવકાર છે. પણ, સ્વચ્છંદતા નહિ, માત્ર સ્વતંત્રતા.

સાંજનો એક જ સમય એવો હોય છે કે જયારે આખું કુટુંબ સાથે બેસીને વાતો કરી શકે. પરંતુ, આ શિક્ષણ આપવાની અને આપવાની પરિસ્થિતિ એવી થઇ કે ત્રણ પેઢી જે એકસાથે એક જ છતની નીચે રહેતી હતી એ છૂટી પડી ગઈ. જે સંસ્કારો પેઢી દર પેઢી સંક્રાંત થતા હતા એ પ્રોસેસ જ અટકી ગઈ. અને, સંસ્કાર એ કઈ ફ્રી સોફ્ટવેર નથી કે, સીધું જ બાળકની હાર્ડડીસ્કમાં ઇન્સ્ટોલ કરી દેવાય. એ તો, માત્ર જોવાથી આવે. જો હું મારા પપ્પાને પગે લાગતો હોઉં, એમના પગ દબાવી આપતો હોઉં…એ બધું આ બાળક જુએ તો તેને મનમાં એવું થાય કે મારે પણ મારા પપ્પાની સેવા કરવી જોઈએ. ઈંગ્લીશ મીડીયમ સ્કુલના ક્રેઝમાં એટલું બાળકને નીચોવી નાખવામાં આવે કે સાંજ સુધીમાં તો પપ્પા આવે અને બાળક સુઈ જાય. એટલે, પપ્પાનો ચહેરો જોયા વિના જ એ આરામ ફરમાવી લેતું હોય છે. ઉપરાંત, સવારે વહેલા સ્કુલ બસ પકડવા ઉઠે ત્યારે પપ્પા સુતા હોય અને બાળક ચાલ્યું જાય.

પિતા-પુત્રનો ભેટો જ નથી થતો તો, લાગણીઓ અને પ્રેમનું શેરીંગ કઈ રીતે થવાનું? જિંદગી જીવવી એ પિતા પોતાના બાળકને કઈ રીતે શીખવવાના? ગમે તેવી મુશ્કેલીમાં પોતાનો બાપ તેની સાથે છે એ અહેસાસ જ કઈ રીતે કરાવવાનો? શું માત્ર માતાનો રોલ પોતાના બાળકની મુવીમાં જમવાનું બનાવી આપવાનો અને પિતાનો રોલ માત્ર સ્કુલ-ટ્યુશનની ફીઝ ભરવા સુધી જ સીમિત છે? વિચારોના છોડને ખાતર-પાણી અને સુર્યપ્રકાશ આપીને મોટું વટવૃક્ષ બનાવવાની વ્યવસ્થા જ ખોરવાઈ જાય એ કેમ ચાલે? બિયારણ જ નબળી કક્ષાનું વાવ્યું હોય અને પાક મબલખ મળી રહે એવી અપેક્ષા જ કઈ રીતે રાખી શકાય? પોતાની અપેક્ષાઓના પોટલાઓ હંમેશા બાળક જ પૂરું કરે એવી આશાઓ સેવાતી ક્યારે બંધ થશે? શું એ બાળકને તમારા થકી જન્મ મળ્યો એટલે તમે એની લાઈફને ખરીદી લીધી? બસ, પોતાના મિત્રોની સામે ૨ મિનીટ માટે વાહ-વાહી મેળવવા પોતાના બાળકની કમ્પેરીઝન કરવાનું ક્યારે બંધ કરશે? દરેક પોતાની સાથે ભગવાને આપેલું ભાથું લઈને આવ્યા છે એ સમજવાની કોશિશ ક્યારે થશે…? ‘મંત્રદ: પિતા’ની વ્યાખ્યા પિતા પોતે ક્યારે સાર્થક કરશે?

બસ…દોસ્ત.! જયારે આ પ્રશ્નના જવાબો જયારે તમને મળી જશે ત્યારે નિ:શંકપણે કહી શકાય કે ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના ભારતવર્ષમાં સ્થાપિત થશે. ફરીથી ભારત બીલોન્ગ્ઝ ટુ ‘જગદગુરુ’ પહોચે તો પણ નવાઈ નહિ…! પણ શરતો ઉપર પ્રમાણે છે.

ટહુકો:- “‘રામાયણ’ એ શીખવે છે કે ઉંબરાની અંદર અને ‘મહાભારત’ ઉંબરાની બહાર કઈ રીતે જીવવું એ શીખવે છે.”

related posts

વર્ષગાંઠ જાણે કે શેરડીનો ગાંઠો!

વર્ષગાંઠ જાણે કે શેરડીનો ગાંઠો!

‘હેમ્લેટ’ ટુ ‘હૈદર’ …

‘હેમ્લેટ’ ટુ ‘હૈદર’ …