ચાલ, તને શહેરની તાસીર બતાવું!

પ્રિય ચંદનચકોરી,

ઘણો સમય થયો, તને પત્રમાં બોલાવ્યે! આજે થયું લાવ, જરા તને જૂની ગાડી પર બેસાડી ધીરે-ધીરે શહેરની તાસીર બતાવું. જોવા જેવું નહીં, જરા સમજવા જેવું! કશુંક કહું, તારી જોડે એકલો-એકલો વાતો કરું.

બહુ ઝડપી છે આ શહેર! તને ખ્યાલ છે, ખાલી કટોરામાં વસંતનું ઊતરવું કેવું હોય? બસ, આ જ રીતે રોજ સવારે શહેર પૂર્વેથી તેનું મોં ખોલે છે, શહેર ભરાય છે અને એ જ રીતે આથમણે ખાલી થાય છે. અનંત શબ દશાશ્વમેઘ ઘાટનો છેલ્લો પથ્થર બની શહેર છોડે છે અને અનેક જીવ આ જ ભીડમાં દાખલ થાય છે. વચ્ચે, કોઈક એવો મહોલ્લો, પોળ કે હવેલી હશે, જ્યાં બંને સંપૂર્ણપણે અપૂર્ણતા મિટાવતા હશે.

અહીં ધીરે-ધીરે ધૂળ ઊડે છે, ઝુંડમાં ધીરે-ધીરે લોકો ચાલ્યા કરે છે, ઝૂંપડી તરફ જવા લાગે ત્યારે સમજાય છે કે સાંજ પડવા લાગી હશે. આ બધું જ ધીરે-ધીરે થવું અથવા ધીરે-ધીરે થવાની સામૂહિક લયને દૃઢતાથી બાંધી રાખે છે, પૂરા શહેરને! આમ, કશું પણ હલતું નથી. જે ચીજ જ્યાં છે, સાંજ અને સવારે ત્યાં જ જોવા મળે છે. જેમ તુલસીની રામાયણ અને કૃષ્ણની ગીતા, લાલ કપડાંમાં વીંટળાઈને, એમ જ પડી રહે છે, વર્ષો સુધી, તેમ સ્તો! અલક્ષિત સૂર્ય હજુ પણ તે વર્ષોથી ચણાતી કૉંક્રિટની ઈમારતની પાછળથી અસ્ત થઈ જાય છે, ધૂળિયો દેખાયા કરે છે. પોતાના એક પગ પર ઊભું છે આ શહેર, પોતાના બીજા પગથી બિલકુલ બેખબર!

શહેર છે, ક્યાંક દુનિયાના નકશામાં! લોકો એકબીજાને પ્રેમ કરે છે, ચાહે છે, વિકસે છે, વૃદ્ધ થાય છે અને ખરી પડે છે એક પીળા ચીમળાયેલ પાંદની જેમ! યુવાનીના દિવસોમાં ડુંગળીના વઘારની જેમ આ શહેર મને ખેંચી રહ્યું છે, કમાવા માટે, પહેચાન બનાવવા માટે! જો કે દુનિયા આજે પણ એ જ નાના શહેરોથી જીવંત છે, ચાલે છે! જ્યાં હું અને તું ઉછર્યા છીએ, પરંતુ તેને પાછળ છોડીને કોઈક અજીબ ભીડમાં સમાવા આવ્યા છીએ.

એક સમય એવો હતો જ્યારે હું પડ્યો રહેતો હતો, લોકોના ખભે, ચોકના ખૂણે, એક રૂમાલની માફિક! આજે એ જ સ્થાનોએ બેસું છું, કશું ને કશું કામ લઈને! ધૂળના લાંબા આલાપમાં ધીરજ રાખીને નીકળી જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

હા, આ શહેરનું પણ એક સંગીત છે. સવાર-સાંજ એ ઘોંઘાટ લાગે છે અને વહેલી સવારે અને મોડી રાત્રે તે કલાત્મક લાગે છે. અહીં કૂતુહલ છે, કિલકિલાટ છે. હા, દેખીતી કોઈ એકલતા નથી પરંતુ, બે વ્યક્તિ એક રૂમમાં એકલપણું સહેજે અનુભવતા જાય છે. હશે, પરંતુ આમાં આપણે હંમેશા હસતા રહીએ છીએ તે આપણા સંબંધને મજબૂત બનાવે છે.

એકબીજાને કહીએ છીએ, વાતો શેર કરીએ છીએ અને ગૃહસ્થ જીવનની પળેપળનો આનંદ લઈ શકીએ છીએ, તે સંબંધમાં કલગી ઉમેરે છે. શાકુંતલનું એક પેજ મારા કબાટમાંથી નીકળીને હવામાં ઊડી રહ્યું છે. મારી છાતીમાં સુરક્ષિત એક અવાજની જાણે રાહ જોઈ રહ્યું છે.

લિ. થોડો જાડિયો ગુલાબશટર.

related posts

અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં

અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?