ગામને છેડે, એક બીમાર શહેર હોય !

https://cdn.notonthehighstreet.com/system/product_images/images/002/363/872/original_oxford-skyline-cityscape-black-and-white.jpg

શહેરની પ્રકૃતિ હોય, અલગ શ્વાસ હોય, ભિન્ન તાસીર હોય અને વિલક્ષણ તડકા હોય. તેના તફાવત ન હોય, તેના ચર્ચિત મુદ્દાઓ હોય. શહેરી ગરીબ એટલે જે પોતે કળણ ભૂમિ પર ઉભો રહીને કળણમાં ખૂંચી ગયેલા બીજા માણસને બહાર ખેંચી કાઢવા મથતો રહેતો હોય. તેને બહાર કાઢવાના દરેક આંચકા સાથે પોતાને અનુભવાતી બિનસલામતીની અનુભૂતિ થયાં કરે. શાણા બનીને પોતાના પગતળે જમીન કેવી છે એ જાણ્યા પછીયે જમીનની પરીક્ષા કરતા રહીએ. સતત એવું લાગ્યા કરે કે, જીવન ખરાબ છે અને એ જીવન ગાળવું પોસાય નહીં. આવા દુઃખના નિવારણ અર્થે બાહ્ય સાધનોના વિચારમાં મશગૂલ બની રહેવું, એ હાથવગો અને સરળતાથી મગજમાં આવતો ઉપાય બની રહે.

આ શહેરી જીવન અને શહેરી ગરીબાઈ કેવી છે? ગામડામાં રોટલો ન મેળવી શકે તે બધા પોતાના ગામડાં છોડીને શહેરમાં ધનિકોની ફરતે વીંટળાઈને રહે છે. ‘શહેરમાં રોટલો મેળળવા જવું એટલે શું?’ વિચાર કરતા કંઇક વિરોધ અને વિડંબનાઓ દેખાશે. ગામડાં, જ્યાં જંગલો, ખેતર, અનાજ, ઢોર, ભૂમિનું સમસ્ત ધણ છે તે છોડીને લોકો રોટલો મેળવવા સારું શહેરમાં જાય છે, જ્યાં આમાંનું એકેય તત્વ નથી. શહેરની લાલચો અને ઢોર-ઢાંખરના ખર્ચાઓ તેમજ કુટુંબના ભરણપોષણ ખાતર શહેરમાં આવવું એ પ્રાથમિક જરૂરિયાતને આધારે લેવાયેલ નિર્ણય છે. બીજા પાસામાં કમાણી સાથે મોજશોખ પણ જોડાયેલ છે. શહેરમાં રોટલો મેળવવાના મિષ નીચે ઓછી મહેનત કરવી પડે, સહેલાઈથી ખાવાનું મળે, દહાડે ત્રણેક ચા પીવા મળે, ફૂલફૂલાં કપડાં પહેરીને હરવાફરવા મળે અને સ્વચ્છંદી જીંદગી ગુજારવા મળે. ધનિકને ત્યાં નિરંતર ઉજવાતાં ઉત્સવો અને ભોગવિલાસ જોઇને સામાન્યજનને અડવું અડવું લાગે તે સ્વાભાવિક છે. પૈસાદાર લોકોનું શ્રમ વગરનું, સુખભર્યું અને સુરક્ષિત જીવન જોઇને પોતાને પણ ઓછામાં ઓછું કામ કરીને બીજાઓની મહેનતનો વધુ લાભ લેવાનું મન થાય જ ! આ ઢબે જીવન ગાળવા મળે તો? આ પ્રશ્ન લઈને જ દરેક ગ્રામવાસી શહેર તરફ આકર્ષાય છે અને આશ્રિતપણું સ્વીકારે છે.

નૈતિક અને સમજદાર શહેરીને સમાજ સુધારણાનું તૂત વળગે. અમુક દિવસો, મહિનાઓ કે વર્ષો પછી એ વિચાર આવે કે – પુણ્ય કરવા જતા પહેલા જાતે પાપમાંથી મુક્ત થવું જોઈએ, નિષ્પાપ જીવન ગાળવું જોઈએ. આ સત્ય સમજાય એ સમય કંપારી છૂટી જાય તેવો હોય છે. જાતે જ ગળા સુધી કળણમાં ડૂબેલો હું બીજાઓને તેમાંથી બહાર કાઢવાનો ડોળ કરતો હતો? હું સાચે જ શું કરવા માંગતો હતો? એદીપણું, આળસ અને અરુચિઓથી ઘેરાઈને બેઠેલો હું ખરેખર સામાજિક ઉત્થાનનું કાર્ય કરવા માંગતો હતો?

બીજાઓની મહેનત પર મોજમજા કરવાની એટલી સુંદર વ્યવસ્થા આ ‘શહેર’ નામક ગર્તમાં કરવામાં આવી છે કે, માણસ જેમ વધુ કારસ્તાની તેમ તે અન્યોન્ય વ્યક્તિઓની મહેનતનો વધુ લાભ મેળવી શકે છે. સામે છેડે તૂટીને કામ કરતો હોવાનો દેખાવ કરતો વ્યક્તિ પણ જીવનના નૈસર્ગિક કાનૂનમાંથી સંપૂર્ણપણે મુક્ત તો નથી જ ! જીવન આવી રીતે કેમ જાય છે? હું ખાઉં છું, વાતો કરું છું, વાતો કહું છું, વાતો સાંભળું છું, પાછો ખાઉં છું, વાંચું છું, ક્યારેક લખું છું, વળી પાછો કામ કરું છું, રમું છું અને ફરી વાતો કરું છું…અને છેવટે સૂઈ જાઉં છું. આ જીવનનો ક્રમ એ જ કર્મ તો નથી બની ગયું ને? દિવસ દરમિયાન અમુકેક લોકોની સેવાનો ઉપભોગ થાય છે. કુટુંબમાં કમાઉં વ્યક્તિ હોવાને લીધે આવતી અસહજતા અહમ્ તરીકે ફૂટી નીકળે છે. પ્રાધાન્યની શરતે અર્થ એ સંબંધથી આગળ નીકળી જાય છે.

પરંતુ, પૈસો તો મજૂરીનો અવેજ છે. આ જ પૈસો અત્યંત સખત, હીણું અને કંટાળાજનક કામો કરવા પ્રેરશે. સમાજના મોટા વર્ગને પૂરો અવેજ ન મળવાનું કારણ સમાજમાં ગોઠવાયેલી જમીન, મૂડી અને મજૂરીની વિષમ વ્યવસ્થા જ છે. સંપત્તિ ઉત્પત્તિ, વહેંચણી અને ઉપભોગની અસમાન પરિસ્થિતિઓ તેનું કારણ છે. હજારો માણસો આ વ્યવસ્થાને સમતોલ કરવા દોડતાં રહે છે, જેનો હેતુ મુખ્યત્વે ‘અર્થ દ્વારા જ સમતોલન સાધી શકાય છે’, તે હોય છે. એક વર્ગને બીજા વર્ગને ત્યાં ગુલામી કરવી પડે તેના મૂળમાં તે વ્યક્તિનું દુઃખ છે.

લાચારી શહેરમાં અનુભવવી પડે છે. નિરાશાના મૂળ એટલાં ગહેરાઈ સુધી પહોંચેલા હોય છે કે ખુશી નામની લાગણીનો પણ ડોળ કરવો પડે છે. દંભી બનીને ચતુરાઈ ભરેલા નિવેદનો અને વિધાનોથી વાક્ છળ ખેલવું પડે છે. અંતે, એક પેઢી એવી તૈયાર થાય છે જેને નાનપણથી જાતે કામ નહીં કરવાની અને બીજાને ત્યાં મજૂરીનો લાભ લેવાની ટેવ પડી ગયેલ હોય છે. સામે છેડે એક એવી પેઢી જન્મ લે છે, જેમને વર્ષોથી આવા आलस्य દાનવોને ત્યાં મજૂરીકામ કરવાની ટેવ વારસામાં ઉતરી આવે છે.

“દુનિયામાં એક પણ માણસ આળસુ રહીને ખાય તો બીજા એકને તેને બદલે ભૂખે મરવું પડે.” આ અટલ નિયમ છે. પરંતુ લોકોએ પોતાના આળસ અને વિલાસ માટે એટલી લાલચો અને લૂલા બચાવો શોધી કાઢ્યા છે કે તેમણે પોતાનું પાપ સમજવું પણ અઘરું થઇ પડે છે. અંતે આપણે કહીએ છીએ કે, શહેરો છે એટલે અમે તેમાં રહીએ છીએ, મજૂરી બદલ પૈસા લઇ / આપીને પોષીએ છીએ.

related posts

“જિંદગી અટપટી તો છે ઘણી…”

“જિંદગી અટપટી તો છે ઘણી…”

“શિયાળાનું સૌંદર્ય…ઈરોટિક – સેન્સેશનલ – હેલ્ધી !!”

“શિયાળાનું સૌંદર્ય…ઈરોટિક – સેન્સેશનલ – હેલ્ધી !!”