“એ જિંદગીના અમૂલ્ય 30 કલાક…..”

“એ જિંદગીના અમૂલ્ય 30 કલાક…..”
સમય, રાત્રીના ૧૨ વાગ્યાનો…સુરતનું (આ વખતે થોડું ચોખ્ખું) રેલ્વે સ્ટેશન. જવાનું હતું બાંદ્રા માં ૧:૪૦ એ. પણ એકની એક ટ્રેનમાં જવું એના કરતા….૨ કટકા કરીને જાવ એવું થયું…ખબર નહિ પણ, એ સમયે થોડુ એડવેન્ચર મગજમાં ઘૂસ્યું.

“રાખ ભરોસો ખુદ પર, શાને શોધે ફરિશ્તાઓ?
સમંદરના પંખીઓ પાસે પણ ક્યાં હોય છે નકશાઓ?
તો એ શોધી લે છે ને રસ્તાઓ…!”

તો ચડી ગયો, લોકશક્તિ એક્ષ્પ્રેસમાં ૧૨:૩૫ એ. અને પહેલી વાર લાઈફમાં કોઈ સારા કામ માટે જતો હતો એટલે ખુશી પણ હતી. અને જીવ જ પહેલેથી આજુબાજુ ‘ડાંફોસિયા’ મારવાનો, એટલે ઊંઘ તો આવે જ નહિ. (કેટલાક વિચારે છે કે ત્યાં પણ લાઈન મારવાનું ચાલુ ….!!!) અરે ભાઈ-બંધુ-હિતેચ્છુ-મિત્ર-દોસ્ત-સહપાઠી….આ તો ધ્યાન આજુ-બાજુ કુદરતની કળા પર કાગળમાં કલમથી કટાક્ષ સાથે કટાર-લેખન કરવાનો સૌથી કશ્મકશભર્યો મોકો હતો.( ‘ક’ ઘણા આવ્યા નહિ..) હા, ટ્રેન ખાલી હતી એકદમ. પરંતુ બારી પાસે કાનમાં ડટ્ટા(અરે..ઇઅર ફોન) નાખીને બેઠો. પણ એવું થયું, એ સાલું આટલી મજા આવે છે અને કુદરતી સંગીત વાગે છે ને ક્યાં આ સાંભળવું. ચલ, ટેવ પ્રમાણે ઓબ્સર્વેશન ચાલુ કરી દે.
હા, દુનિયા આખી આંખ સામેથી પસાર થઇ હોય એવું લાગ્યું. કોણી બારીની ધાર પાસે અને હથેળી હડપચીની નીચે રહે એમ સપોર્ટ આપીને બેસી ગયો.

સરર…સરર…સરર….પવન જાણે વાતાવરણમાં રહેલા જીવંત સજીવોને હાલરડું ગાઈને નિદ્રામાં પોઢાંવવા સુરમ્ય સંગીત રેલાવી રહ્યો હોય એવું લાગે. ભગવાન કોઈને ભૂખ્યો સુવાડતો નથી એની સાબિતી એ પોતે દરેક જીવને સુવડાવીને આપે છે. રેલ્વે ટ્રેકની બાજુમાં રહેલી ઝુપડપટ્ટીના છાપરા પર, મસ્જિદની આગળ, સ્ટેશન પરના વૃક્ષની નીચે, કુરિયરના લગેજની પાછળ, ટોઇલેટની બાજુમાં, રેલ્વે પ્લેટફોર્મ પર, સ્ટેશન પરના છેવાડાના બાકડા પર,…. અધધધ….લોકોને સુતેલા જોયા. સ્ટેશન આવે નવું, ને તરત જ નાના છોકરાઓ ને હાથમાં પાણીની બોટલ-ચાય-વેફર-પેપર-વડાપાવ-ખારી શીંગ વેચતા જોઇને ભારતના ભાવિ યુવાપેઢી ખતરામાં છે એવું લાગ્યું. પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે એનામાં કૈક અલગ હશે તો નરેન્દ્ર મોદી સુધીની લાઈન તો ખરી જ…અને હા, ‘સ્લમડોગ મિલીઓનેર’ નો “જમાલ” પણ બની શકે.
અમદાવાદ ઉતરીને બાંદ્રાની રાહ જોઈ. અને સ્ટેશન પર ૪:30 માં જ ‘પૌવા’ની એક ડીશ ઝાપટી ગયો અને ઉપરથી ગરમા-ગરમ કચોરી. કમજોરી છે ભાઈ એ તો, ખાવાનું જોઈએ તો રહેવાતું નથી, ગયા જન્મમાં કદાચ કુતરો પણ હોઈ શકું.હા..હા…હા…બાંદ્રામાં સોનગઢ જવા માટે બેઠો. સવાર પડી ગઈ. અને લોકોની પો-પો-પી-પી-પોમ-પોમ-પુ-પુ શરુ. સવારના પહોરમાં મે પણ બાજુવાળા ભાઈ સાથે ગપ્પા લડાવવાનું શરુ કર્યું. એ ભાઈ પૂછે, “શું ભણે ભાઈ?” …મેં કીધું, “કાકા, એન્જીનીયરીંગ માં છું.” કાકા સમજ્યા નહિ એવું મોઢા પરથી લાગ્યું. કાકા કહે, “એન્જીનર, એવું શું… સ્કુલ આવે..?” મને થયું, ચાલો અહી પણ એન્જીનીયરનું ભવિષ્ય અંધકારમય જ લાગે છે. મેં કીધું “ના..ના..કાકા, સુરત હીરા ઘસું. આ તો, અમારા શેઠની હીરાની કંપનીનું નામ છે.” કાકા કે, “હા, મારો છોકરો પણ હીરા ઘસે છે,..” આમ કરીને વાત તો શરુ થઇ ગઈ. પણ જીવનના ઘણા કિસ્સા સાંભળીને એમાંથી શીખવા જેવું લાગ્યું, કારણ કે એમનો અનુભવ બોલતો હતો.
હા, સવારે ૧૧:30 એ ઘરે પહોચ્યો, અને સાંજે ‘બા’ને લઈને ૮ વાગ્યે પાછો સુરત આવવા નીકળી પડ્યો બસમાં. સોનગઢની આર.કે. પાવભાજી જે સોનગઢ ઉતારીને તરત ખાધેલી એનો સ્વાદ હજુ સચવાયેલો હતો, અને પાછા ફરતા રસ્તામાં પછી સામે મળી. બસમાંથી જ પાવભાજીના દર્શન કર્યા. જીભમાં છેલ્લેથી બે એવા ફુવારા છૂટ્યા અને થોડીવારમાં તો આખી બખોલ ભરાઈ ગઈ પણ ગમે એમ કરીને જીભને પછી વાળી. આ દુનિયા સફરની છોડવાનું મન તો નહોતું…પરંતુ,

ટહુકો: “જો તમે ‘ગુડ બાય’ કહેવાની હિંમત રાખશો, તો જીંદગી તમને ‘હેલ્લો’ કહીને નવું વળતર આપશે.” – પાઉલો કોહેલ્કો.(ઓથર ઓફ ‘ધ આલ્કેમીસ્ટ’)

related posts

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ

ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ