चोरी न करें झूठ न बोलें तो क्या करें ? चूल्हे पे क्या उसूल पकाएंगे शाम को |

(शीर्षक पंक्ति : अदम गोंडवी)

https://ichef.bbci.co.uk/news/660/media/images/75887000/jpg/_75887699_coat-marigolds.jpg

ધૂળ અને અનેકવાર વપરાયેલી ‘ચા’ની ભૂકીથી ભદ્દુ બનેલું કથ્થઈ રંગનું ચીકણું ગળણી જેવું કપડું ‘ટી સ્ટોલ’ વાળાના મેલ ભરાયેલી હથેળીમાં દબાઈ રહ્યું હતું. હજુ થોડી-થોડી ચા એ કપડામાંથી ઝરી રહી હતી. બાજુમાં સડેલ પતરાનું છાપરું, ટીનના ડબ્બાઓ અને પ્લાસ્ટિકના કેનથી બનેલી નાનકડી લારીમાં રહેલા ફરસાણ પર માખીઓ દ્વારા કૂડામાંથી આરોગ્યવર્ધક ફૂડ બનતું હતું. એટલામાં અચાનક બ્રેક લગાવીને એક ટુ-વ્હીલર ઉભું રહ્યું. તેની પાછળ દોડી રહેલા ઘણા વાહનોએ પોતાનું સંતુલન ગુમાવ્યું. કોઈકની સાઈકલની ધીમી ઘંટડી સંભળાઈ તો કોઈકે બે ગાળ આપી. આમાંના કોઈને પણ ગણકાર્યા વિના ‘ટી સ્ટોલ’ની આગળ ઉભેલા તું-વ્હીલર ચાલકે ફરી કર્કશ હોર્ન વગાડ્યો. ‘ટી સ્ટોલ’ ચાલકનું ધ્યાન એ તરફ ગયું અને પેલા ગ્રાહકે કશુંક ઈશારો કર્યો.

“જૂના બે મહિનાના બાકી છે. પહેલા એ ચૂકવો પછી કટિંગ આપું.”
“આપણે સંઘ માટે ચા લઇ જવાની છે પ્રભુ ! સેવા-ભાવનાના પૈસા થોડા માંગવાના હોય ?”
“અરે, તમે સંઘ કહીને દર વખતે મફતમાં લઇ જાઓ છો. આ વખતે નહિ ચાલે ! જૂના આપ, પછી પાર્સલ કરું.”
ગુસ્સામાં એ ટુ-વ્હીલર ચાલકે કોઈકને ફોન કર્યો.
“નમસ્તે સાહેબ ! આજે સરકારી શૌચાલયની આગળ ખૂણામાં ઉભી રહેતી લારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવાનો છે.” ફોન મૂકીને તેણે ફરી ‘ટી સ્ટોલ’ તરફ જોયું.

ટી-સ્ટોલવાળા એ તેને ત્યાં કામ કરતા ‘છોટુ’ને ચાનું પાર્સલ લઈને ફટાફટ ટુ-વ્હીલર તરફ મોકલ્યો.
“સા’બ ને બોલા કિ પુલિસ કો હપ્તા લેને કે વાસ્તે ના ભેજે !”

બાજુની રેંકડી પરથી થોડું ફરસાણ લીધું અને રોફ જમાવીને એ લબરમૂંછિયો સડસડાટ ભાગ્યો. સાંકડા રસ્તામાંથી પેટ અંદર કરીને દોરડાઓ ખેંચતોક ને ટ્રક આવતો હતો. તેણે છેક સુધી તેની સામે ગાડી ચલાવીને છેલ્લી ઘડીએ ખૂણામાંથી પોતાનું બાઈક કાઢીને ભગાવ્યું. બીજે છેડે એક કબાડખાનું લઈને બેઠેલો ફટીચર સડેલ અને ઉધઈવાળા ફર્નિચરને આવતી કાલે ફરી ચકાચક કરીને વેચવા માટે તેને ભેગું કરી રહ્યો હતો. ફાટેલા-તૂટેલા ચણિયાઓ પહેરીને નાના ગંદા નિર્વસ્ત્ર બાળકોને પોતાના ખોળામાં લઈને વૃદ્ધાઓ બેઠી હતી. તેઓ સંકોચ શું છે? તે સુદ્ધાં ન જાણતી હતી. છતાં, પોતાનો સમાન વેચ્યા કરતી હતી. બજરિયું સૂંઘતી વૃદ્ધાઓ અને ગલોફામાં તમાકુ ભરીને બેઠેલી સ્ત્રીઓ. ફ્રાય સેન્ટર પર ઉભેલા પોતાના શૌહર પર જોરથી ચિલ્લાઈ ઉઠતી બાઈઓના કોઈ સપનાઓ નહોતાં.

બીજી તરફ જોગણી માતાના મંદિર પાસે સંઘના સભ્યો ઉભા હતા. તેઓ ‘ભારત માતા’ની વાતો કરતા હતા અને સભ્યોને રાષ્ટ્રપ્રેમ દર્શાવતી રમતો રમાડી રહ્યા હતા. ત્યાં જ સ્કૂટી પરથી પસાર થઇ રહેલ કુટુંબને રસ્તાનો ખાડો ન દેખાતા સમૂસુતરું ભોંયભેળું થયું. તેઓ રમતો રમતા રહ્યા, અહીં ‘કંઈ નથી વાગ્યું, સહેજ છોલાયું છે !’ એવું મનને સમજાવીને કુટુંબ ફરી સ્કૂટી પર બેસીને રવાના થયું.

ચા અને ફરસાણ લઈને ટુ-વ્હીલર પર નીકળેલો લાંબા ટી-શર્ટીયો ચોકે પહોંચ્યો. ‘બાબા સાહેબ આંબેડકર ચોક’ના ટ્રાફિક સર્કલ વચ્ચે ઉભા રહેલા અમુક નવયુવાનોને કોઈ આધેડ કશુંક સમજાવી રહ્યા હતા. ત્યાં જઈને ચા-નાસ્તો જેવા ખૂલ્યા, કે તરત જ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. નાસ્તો કરીને ધીરે-ધીરે ત્યાંથી બધા ખસકવા લાગ્યાં. પેલો આધેડ કંઇક સમજાવતો રહ્યો અને બધા સરકારી શૌચાલયો બાજુ ગયા. ત્યાંથી સૌ-કોઈ પોતપોતાને શેરીને નાકે જઈ બેઠા. અહીં ચોકમાં બે જણ રહ્યા. આધેડ વ્યક્તિ, કે જેને કશુંક કન્સર્ન હતું અને નાસ્તો લઇ આવનાર વ્યક્તિ, કે જેને તે આધેડ પાસેથી ખર્ચો કઢાવવાનો હતો. પૈસા લઈને એ મસ્કાબનની લારી પર ગયો.

“એક કટિંગ અને એક મસ્કાબન.” ઓર્ડર સાંભળીને ડબ્બામાં ખૂણે ચોંટેલા બટરના લોંદાને સહેજ પાણી ઉમેરીને ફટાફટ હલાવવા લાગ્યો, જેથી હજુ થોડાંક પાસેથી રળી શકાય. બટર અને પુલિયાના કામને લીધે ઉડતી દિવસભરની ધૂળને લીધે લાકડાના ખપાટિયા પર બનને બે ભાગમાં વહેંચી, ગંદા કપડાં પર ચપ્પુ સાફ કરીને તેના પર બટર લગાવવા લાગ્યો. મસ્કાબન ખાઈને એ વળી પાછો સરકારી શૌચાલયમાં પૈસા ઉઘરાવવા ગયો.

“દિવ્યાંગ” ને બદલે “દિવ્યાંક સ્માયલ” નામનું બોર્ડ મારેલું હતું. રસ્તે ભીખ માંગતો ‘ફિઝીકલી ડિસેબલ’ ભિખારી આરામથી દાદર ચડીને બાથરૂમમાં પહોંચી ગયો.
“એક કે બે ?”
કોઈ જવાબ ન મળતા ફરી પૂછ્યું, “એક નંબર કે બે નંબર ?”
“બે નંબર..”
“પાંચ રૂપિયા.”
“ભિખારી પૈસા આપીને બાથરૂમમાં ગયો અને બહાર આવ્યો.”
વળી, દાદર ઉતરીને નીચે કટોરું લઈને બેસી ગયો.
“સાહેબ, ભૂખ લાગી છે. ખાલી દસ રૂપિયા આપો સાહેબ !” એક્ટિંગમાં માસ્ટર્સ હતો, એટલે કોઈએ વળી દસ રૂપિયા આપ્યા.

રાત્રે પેલી ટી-સ્ટોલ પર પોલીસવાળો આવ્યો. તેની બાજુમાં નવી બાંધકામ સ્કીમ પડી હતી. આજુબાજુમાં અમુક બ્રોકર આમતેમ ફરતા હતા. તેની ફરતે મૂકેલ વાડ સ્વરૂપ પતરા પર એક રીક્ષાચાલક લઘુશંકા કરી રહ્યો હતો. પોલીસે તેને કૉલરથી પકડીને બાજુમાં રહેલું સરકારી શૌચાલય બતાવ્યું. રીક્ષાચાલકે શૌચાલયની અંદર મંગાતા પૈસા વિષે કહ્યું. જેણે પોલીસને ફોન કરેલો એ જ શૌચાલયમાં બેસીને દરેક પાસેથી પૈસા એકઠાં કરતો હતો. આ જોઇને પોલીસે તેને પકડ્યો અને બધું જપ્તે કર્યું. ટી-સ્ટોલવાળો એ ટીખળીખોરની હકીકત જાણી ગયો. ટી-સ્ટોલવાળાએ પ્રમાણિક બનીને પોલીસને હકીકત કહી. પોલીસે ઊલટાની મફતમાં ચા પીધી. ‘બાબા સાહેબ આંબેડકર ચોક’માંથી પોતાનો સામાન લઈને એ આધેડ ફરી પાછા પોતાને રસ્તે ચાલવા લાગ્યાં. એમને ફરી પાછો પોલીસને હાથેથી છૂટેલો ઉઘરાણીયો કે જે ચા-નાસ્તો લઈને આવેલો હતો તે સામે મળ્યો. સંઘના કેટલાંક દેશપ્રેમી ભ્રમિત યુવાનો માત્ર રમત રમીને અને રાષ્ટ્રપ્રેમની વાતો કરીને બગડેલ ટી-શર્ટ સાથે ટી-સ્ટોલ પર ચા પીવા ઉભા રહ્યા.

‘તમે ક્યાંય ફાવી નહિ જાઓ !’ આવું નોકરીયાત માણસને દર મહિને કાઢવા પડતા છેલ્લા અઠવાડિયા પરથી નક્કી થાય છે.

related posts

“જિંદગી અટપટી તો છે ઘણી…”

“જિંદગી અટપટી તો છે ઘણી…”

ભવસાગરને કાંઠે ‘રાધા-કૃષ્ણ’ની રમતમાં પ્રમાણિત થતાં વિ’મેન્સ’ ડે

ભવસાગરને કાંઠે ‘રાધા-કૃષ્ણ’ની રમતમાં પ્રમાણિત થતાં વિ’મેન્સ’ ડે