कुछ भूल तो नहीं न रहें?

STDના લાલ ડબલામાં સિક્કો નાખ્યા વિના 100 નંબર ડાયલ કરીને ભાગવાની, કમરે ભીંસાતા પેન્ટની ક્લિપ ખોલીને પિરિયડમાં બેસવાની, પરસેવાની ભીનાશ સાથે શરીરે ચોંટેલા શર્ટની બાંહો સરખી કરવામાં, ફાટેલા બૂટની આગળથી મોજે વીંટળાયેલ અંગૂઠો અંદર ખેંચવાની, સમોસાની અંદરના ગરમ બટેટાને જીભથી મોંની બખોલમાં રમાડવાની, પૂંઠા ચડાવેલી નોટો અને પુસ્તકોની ઉપર સ્વાધ્યાયપૂર્તિઓ મૂકીને પ્લાસ્ટિકની કોથળીમાં ઢાંકવાની, નાસ્તાના ડબ્બાને અગાશીના ભૂંગળામાંથી આવતા પાણી વડે ધોવાની, ખાબોચિયા ટપીને કૂદકા લગાવવાની, સાઈકલની બ્રેક ન લાગતાં પ્લાસ્ટીકના ડટ્ટી નીકળેલા ચપ્પલને રસ્તે ઢસડવાની, કેરિયરમાં પાછળ બેઠેલા ભાઈબંધ પર પાણી ઉછાળવા જાતે કરીને સાઈકલને પાણીમાં ચલાવવાની અને એકતરફી પ્રેમ હોય તેવી માશુકાને ભીના વાળમાં જોવાની – મજાઓ એટલે ઋતુ માણી તેની સાબિતી.

સુરતના એકવીસ ચોમાસા ભરપૂર માણ્યા, તેમાં પહેલું સૌરાષ્ટ્રમાંથી સુરત તરફ આવતા વીત્યું અને એકવીસમું સુરતથી અમદાવાદ ભણી આવતાં ! એ પછી દરેક ઋતુને ઑફિસના એ.સી.માં લપાઈને ખોવાતી જોઈ છે. મનમાં સતત ચાલતી ગણતરીઓ અને મહિનાને અંતે દોથા જેટલું બચતું દ્રવ્ય. રેતઘડીમાં ફરી થોડુંક ભેગું થાય ’ને ધીરે-ધીરે તળિયે આવતું જાય. દોડધામમાં આજુબાજુ નજર કરવાનું ભૂલી જવાય અને કેટલીયે ઘટનાઓની વચ્ચે સ્ટેન્ડ-સ્ટિલ્સની જેમ કોઈ ચાર રસ્તે બાજુમાં ઉભેલી ગાડીઓની સાથે ઢંકાઈને ઉભા રહેવાનું.

ગંદકી જોવા ટેવાયેલાને બે શિંગડીવાળું ઇન્દ્રગોપ ન દેખાય ! ચડ્ડી પહેરતા એ સમયે સાવરણાની સળીએ કાદવમાંથી અળસિયું પકડી તેને હવામાં પકડી તેને વળ ખાતું જોવાની જે મજા લીધી હોય એ સ્થિતિ ઑફિસની ડેસ્કના કોઈ છેડે ખૂણામાં બેઠેલા નોકરદારની હોય છે. શેરીમાંથી નીકળતા વરસાદી પાણીને બાલ્કનીમાંથી જોવાનો આસ્વાદ – ગમતાં સમય, વ્યક્તિ કે પેશનને સતત પોતાનાથી દૂર કરતા દુઃખ જેટલો જ હોય છે. ચપ્પલની આગલી બૂટ પછાડી દેડકાને ભગાડવાની અને તેનાથી ડરવાની – આ બંને ક્રિયાઓ એટલી જ સાહજિક છે. ભીની મૌસમમાં રાત્રે આવતા પાણીના ચૂવાના અવાજથી ડરીને ઓઢેલી ચાદરની કુમળાશ પણ એટલી જ હોય છે. આ ચાદરમાંથી સહેજ બહાર દેખાતી એક આંખ અને ચાર આંગળીઓ દીવાલે તબકી રહેલા આગિયાને લીધે જ સ્તો ! લાઈટની પાછળ દિવસે છુપાઈને રહેતી કાબરચીતરી ગરોળીનો ડર અને સ્કૂલ/ઑફિસના શિક્ષક/સરનો ડર સરખો જ રહે. કશું નથી થવાનું એ ખ્યાલ હોવા છતાં ભીતિ રાખવી પડે, તેનું કારણ તમારા ભવિષ્યની બાગડોર જન્મથી જ અન્ય કોઈના હાથમાં રહેલી હોય છે. બાથરૂમમાં નહાવા બેસો અને મંકોડાઓ પગ પર ચટકે, હાથથી મસળીને તેને મારીએ અથવા ફેંકીએ ! આવું રોજબરોજના જીવનમાં ક્યાંક આપણી સાથે પણ થતું હશે ! આપણા લીધે કોઈને ચચરે અને તે આપણને સકંજામાં લે ! કાળી મોટી ઈયળોની હાર અને ધીમી ગતિએ ચાલતી ગોકળગાય, ગાડરિયો પ્રવાહ અને આળસ જ હશે ને !

મસમોટાં પેકેજની ફ્લાઈટ્સમાં બેસીને કુદરતને માણવાની માત્ર વાતો જ થાય ! દે માર વરસાદમાં બારીને ટેકે બેસીને કવિતાઓ ન રચાય એવું બને, કારણ કે આવા સમયે વ્યક્તિ એકાંત માણે ! પ્રશ્નોની ગડમથલમાંથી નીકળવા માટેના પ્રયાસો કરે, જવાબ શોધે અને સૂકુન મેળવે. સાચી કલાત્મકતા ઝૂંપડી અથવા બંગલે મળે. મહિનાના ચક્કરો પૂરા કરવાના હોય ત્યાં પેટને માટે જ બધું થાય, સ્વાર્થ જ મળે. મફતના કામો કરવા બેસીએ તો ફાટીને ધૂમાડે જવા સિવાય બીજો કોઈ રસ્તો ન બચે. તળિયાની વાતો કરનારનું મૂળ અભિમાન અને અહમને સ્પર્શતું હોય તે સમજનાર કીર્તિની પીડામાં જીવન ખર્ચે છે જયારે મોં સામે વિરોધ કરતો માણસ વિરોધ પક્ષની પાટલીએ બેઠો હોય તેવી ભૂમિકાના ભ્રમમાં પોતે ગળી જાય છે.

રોજ દિવસ ઉગે અને એકની એક સાબિતી રોજ આપવી પડે, ભલે તે આવડતની હોય કે આડવાતની હોય ! આવા સમયે મેટ્રોસિટીમાં ઋતુઓની મજા કઈ રીતે લઇ શકાય? કદાચ શહેરને સંબંધી ફરસાણ ખાઈને અમુક-તમુક માહોલને જસ્ટિફિકેશન આપવું પડતું હશે. છાજલીવાળા કબર્ડના ફ્લેપ પર બદલાતા રહેતા સંસાધનો અને સાધનોના પ્રકારને આધારે ઋતુ કઈ છે તે સમજી શકાય છે. ઓઢવા-પાથરવા માટેની ચાદરની જાડાઈ વાતાવરણની પરિસ્થિતિને ન્યાય આપે ત્યારે છેક આબોહવા સમજાય છે. ઑફિસથી ઘરે આવતા-જતાંની વેળાએ થતો અનુભવ ટાઢ-તાપ કે વરસાદની પ્રતીતિ કરાવે છે. ત્રણેય સિઝનને આધારે પડતી લોકજીવનની તકલીફો એટલે માહોલ શું છે એ જાણવાની પદ્ધતિ. ખબર નહીં, પરંતુ ક્યાંક આપણે વધુ બુદ્ધિશાળી અથવા તો વધુ મંદબુદ્ધિ તો નથી થઇ રહ્યા ને? કારણ કે, આ સ્ટેજ નોર્મલ બિહેવિયર ધરાવતા હ્યુમનનું તો નથી જ !

 

 

 

related posts

જીતવું છે, હારીને પણ જીતવું જ છે!

જીતવું છે, હારીને પણ જીતવું જ છે!

‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still….devlopement’…?

‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still….devlopement’…?