સામાન્ય તર્ક – વિતર્ક : હર ઘર કુછ કેહતા હૈ !

 

(એક દોસ્તની વાત પરથી મગજમાં ઉપડેલું ભડભડિયું)

“બેટા, પહેલી સેલરી આવે એટલે આપણે મંદિરે જઈને ભગવાનને ૨૦૦૦ રૂપિયા ચડાવવાના છે.”
“અરે, ના મમ્મી ! મને એવું નથી લાગતું કે આવી રીતે પૈસા ચડાવવા જોઈએ. પહેલી સેલરીમાંથી બહેન માટે કે તારે જે લેવું હોઈ એ કંઇક લઈએ. એવું પણ ન કરવું હોય તો ફેમિલીમાં જરૂરિયાતની વસ્તુ લઈએ.”
“જો, તારે આ બધી વાતમાં બહુ બોલવાનું નહિ. મારી માનતા છે. એ તારે પૂરી કરવી જ પડશે.”

“અરે પણ મમ્મી ! આ જ પૈસા જરૂરિયાતમંદ લોકોને આપીએ તો? પૈસા ચડાવવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ, હું એવું ઈચ્છું છું કે આટલા જ રૂપિયા આપણે બીજે ઉપયોગ કરીએ. મંદિરમાં તેનું શું થવાનું છે? એ કોઈને ખબર નથી. સૌથી મોટા બિઝનેસ આજે આ મંદિરો ચલાવે છે. આપણે મહેનત કરી-કરીને મંદિરમાં જ મૂકવાના?”
“ક્યારેક વડીલોનું માનતા શીખો. દર વખતે ઝઘડો જ કરે.”
“પણ મમ્મી, દરેક પૂજા અમુક સમયે થવી જરૂરી છે? આ બધું કરવું જરૂરી છે?”

અહી પ્રશ્ન અને જવાબ બંને અટકી જાય છે. અંતે, વડીલોની વાતને માન આપીને ન ગમતી પ્રવૃત્તિ કરવી પડે છે. શ્રદ્ધા અને વિશ્વાસની વચ્ચે ઝૂલા લેતી વડીલોની વાત સામે એક સ્ટેપ આગળનું વિચારતી આજની પેઢી છે. હા, આજના નવલોહિયા જુવાનને અમુક વાતો પર વિશ્વાસ નહિ હોય. પરંતુ, મમ્મી ને એવું છે કે વર્ષોથી જે માનતાઓ અને પ્રાર્થનાઓ ભગવાનના ગર્ભગૃહમાં પોતાને ગર્ભ હતો ત્યારથી કરતી આવી છે તેથી જ આજે સુખ અને સમૃદ્ધિ છે. પોતાના વ્હાલા લોકોની સુખાકારી એ પ્રાર્થનાઓની ગુંજમાં તે પોતે સાચવતી આવી છે. હજુ મંદિરમાં તે પગ મુકે ત્યારે પોતાના પોતાના પતિ અને દીકરાની તકલીફોની રિહાઈ માંગે છે. આ શ્રદ્ધા અને ઈશ્વર પરનો વિશ્વાસ તેના અમુક દૃષ્ટિકોણ સામે આંધળો પટ્ટો બાંધી દે છે.

બંને વ્યક્તિ પોત-પોતાની વાત પર સાચા છે. મમ્મીને રૂપિયા મૂકાય ત્યાં સુધી જ પ્રશ્ન છે. અને, દીકરાને એ પૈસા મુકાયા પછીના તેના ઉપયોગની ચિંતા છે. જ્યાં એકને જવાબ મળે છે, ત્યાંથી બીજાનો પ્રશ્ન શરુ થાય છે. મંદિરો પર પણ ટેક્સ લાગવા જોઈએ. તગડા ભાવો જો ભગવાનને આડે રાખીને વસૂલાતા હોય તો તેની પીઠ પાછળ તો શું થતું હશે તેનો અંદાજ પણ લગાવી ન શકાય. આ પ્રશ્ન સુધી કદાચ હજુ દરેક નથી પહોંચ્યા. આજ સુધી જે આસ્થા અને શ્રદ્ધાથી કામ થતું હતું તે આજે પણ દીકરાની જોબ લાગવાથી થયું છે તેવું મમ્મીનું માનવું છે. દીકરો પણ એવું જ માને છે કે, ભગવાનની કૃપાથી જ સારી જોબ મળી હશે.

મમ્મી એવું સમજે છે કે, ઈશ્વરે જ સારી નોકરી અપાવી છે તો તેને કૃતજ્ઞતા અર્પણ કરવી જ જોઈએ. દીકરો એવું માને છે કે, લેવા-દેવાની સિસ્ટમ માત્ર માણસોમાં જ છે. ભગવાન સુધી હજુ એ સિસ્ટમ નથી પહોંચી. એક હાથે આપીને બીજો હાથ લાંબો કરવાની ‘ખેવના’ માણસમાત્રમાં જ છે. પરંતુ, ઈશ્વર તો એક હાથે આપીને ચાલ્યું જવું એ ‘ભાવના’ સાથે આપે છે.
ખરેખર, સમગ્ર દુનિયાનું અન-બેલેન્સ આના લીધે જ છે. જેને જરૂરિયાત છે એ તેનાથી વંચિત રહી જાય છે. ખરી જરૂરિયાત મંદિરના ઓટલે બેઠેલ રોજના રેગ્યુલર કસ્ટમર એવા ‘ભિખારી’ઓને નથી. કારણ કે, તેમને તો ખબર જ છે કે રોજ બપોર પછી કોઈકને કોઈ ડરપોક વ્યક્તિ ભગવાનથી ડરીને મારું પેટ ભરવા પહોંચી જ જશે ! એક રૂમ-રસોડાના ભાડાના ઘરમાં રહેતા મધ્યમ વર્ગીય લોકોને છે. બાળકોની ફી ભરવા માટે દર મહિને સેલરીની રાહે બેઠેલ પપ્પાને છે. મહિનાના છેલ્લા પાંચ દિવસમાં શાકભાજી લાવવાને બદલે કઠોળનું શાક કરતી મમ્મીને છે. ઘરમાં પરિસ્થિતિ સારી નથી અને ભણવાની ધગશ હોઈ તેવા હોશિયાર દીકરા-દીકરીઓને છે.

ચાન્સ હંમેશા લેવો જોઈએ. ઈશ-વિશ્વાસ પર, નહિ કે ધર્મ પર. પારકી આશા નહિ, પરંતુ સ્વ-વિશ્વાસ પર. આશા આગમાં ચાલવાનું શીખવે છે. વિશ્વાસ તેને વટાવીને આગળ લઇ જાય છે.

ભગવાને પોતાના આલિશાન મકાનો પોતાના ભગવા ભક્તો માટે બનાવ્યા જ છે. હા, ટુરિસ્ટ પ્લેસ સુધી બરાબર છે. બાકી, છાતીમાં ડાબી બાજુ મિનીટમાં બોતેર વખત ભગવાન જ ધબકતો હોય તો મંદિરના ‘ઓટલે’ કે મૂર્તિના ‘પાટલે’ એકેય આનો મૂકવાની જરૂર નથી. ખાલી હૃદયે, વિના માંગણી એ મંદિરે જઈને ઉભા રહીશું તો ભગવાન પણ કોઈ હસતા-ખેલતા બાળકની જેમ અપનાવી લેશે. હાથ જોડીને માંગણની જેમ નહિ, ‘શેક હેન્ડ’ કરીને ઈશ્વરનો થવા જવાનું હોય દોસ્ત !

related posts

એક જાદુઈ ડબ્બો : Only for EMI

એક જાદુઈ ડબ્બો : Only for EMI

कहानी भी क्यूट बनती है!

कहानी भी क्यूट बनती है!