“શિયાળાનું સૌંદર્ય…ઈરોટિક – સેન્સેશનલ – હેલ્ધી !!”

કવિ એટલે કોણ? કવિ એટલે સર્વજ્ઞ- આપણી સ્થિતિથી જ્ઞાત. કવિ એટલે તત્વવેત્તા. કવિ એટલે કાળજાની અંદરની ત્વચાને ચીરીને પછી છેક અંદર ઘાવની બળતરા સાથે ધાતુના સ્પર્શની ઠંડક પણ કરાવે, એવો તલવારનો પ્રહાર અને ફૂલની પાંખડીની કોમળતા. કવિ એટલે “ કિં કર્મ કિમકર્મેતિ કવયોપ્યત્ર મોહિતા: |” અર્થાત, જે જીવન તરફ જુવે ત્યારે તેને ‘સૌંદર્ય’ અને ‘કર્તવ્ય’ લાગે તે એટલે કવિ. કવિ એટલે ક્રન્તીદાર્શી, દુરંદેશી અને ઇન્દ્રિયોથી આગળનું જોનાર.

એમાં પણ ભારતીય સંસ્કૃતિના શિરમોર એવા ‘કવિરાજ’ –‘ કવિ કાલિદાસ’.

શિયાળાની ઠંડીનો મીઠો ચમકારો ક્યારેક અનુભવાય છે, ત્યારે કવિ કાલિદાસ તેમના અદ્વિતીય,અદભુત અને અલૌકિક ગ્રંથ એવા ‘ઋતુસંહાર’માં દરેક ઋતુનું બેજોડ વર્ણન કરે છે. દરેક ઋતુમાં પશુ, પક્ષી, પુષ્પ, લતાઓ, વૃક્ષો, ધરતી, વાયુ, આકાશ તેમ જ મનુષ્ય જેટલા કેટલીયે સુક્ષ્મ થી સુક્ષ્મ વિશેષતાઓનું વર્ણન કર્યું છે.

“ ફળથી લાદેલા પાંદડા વગરના વૃક્ષો જાણે ઠુંઠવાઇ રહ્યા છે, કમળ તેની કોમળ પાંખડીઓને પાણી પર રમાડે છે, ત્યારે ઠંડા પવનમાં અને લાલીત્યપૂર્ણ વાતાવરણમાં પ્રેમી પોતાની પ્રિયતમાના ગળાનીસભર મુખને નિહાળી રહ્યો છે, ત્યારે હંસોનું એક યુગલ તળાવમાં મધુર ધ્વનિ કરીને સહવાસના આનદમાં મસ્ત છે, ચંચલ માછલીઓ રમત કરી રહી છે.”

કેટલું આહલાદક…નિરુપમ વર્ણન. સ્ત્રીના શૃંગારિક રસનું પણ એકદમ સટીક વર્ણન અહી જોવા મળે છે.

काञ्चिगुणै: कञ्चन रत्नचित्रैर्नो भूषयन्ति प्रमदा नितम्बन् |

न नुपुरेहेसृतं भजदिभ् पदंबुजन्यम्बुज्कान्तिभञ्चि ||

અર્થાત,

“હેમંતમાં ‘વિલાસીની’-(કામોત્સુક સ્ત્રી) બાજુબંધ ઠંડીને કારણે ધારણ નથી કરી શકતી, સ્તનને ઓપ આપતી રેશમી સાડીઓ નથી ધારણ કરી શકતી, શરીરને ગરમી આપવા માટે તાંબુલના રસનું સેવન અને કસ્તુરીના લેપનું સેવન કરે છે, મદિરા અને અગરબત્તીની સુવાસથી આખા શય્યાગૃહને સજાવીને પ્રણયક્રીડા માટે પોતાના પ્રિયની રાહ જોતી બેઠી છે.”

http://www.instituteforphotography.com/gallery/big/b2.jpg

હવે, આ બચુડીયાએ તૂટેલું-ફૂટેલું વર્ણન કર્યું છે.

બહાર ફળિયામાં ખુલ્લાં રહી ગયેલા પાણીનું ટીપું પણ અચાનક પગ કે ગાલ પર પડે તો દાઝી જવાય એનું નામ શિયાળો ! જેમાં શ્વાસ ફેફસાંને બદલે પાંસળીઓમાં પહોંચે અને હાડકાની વચ્ચેના પોલાણમાં હિમ જામે ! સહવાસ અને પ્રણયમાં રચવાનું મન થાય. ધાબળાની અંદર ઈજીપ્તની ‘મમી’ની જેમ પડેલા હોઈએ અને શ્વાસની સરસરાહાટ ‘ઇલેક્ટ્રોસ્ટેટિક શીલ્ડીંગ’ની માફક ‘લક્સ ઇન્ફરનોવેર’ જેવી પરિસ્થિતિ રચે. ઉઠીને ટી-શર્ટ કાઢતી વખતે થતું તડ-તડ અને ઠંડીની લહેરખી આવતાકની સાથે જ શરીર પરની રુવાંટી જાણે સજીવન થઇ હોય એવું લાગે. ટૂંટિયું વાળીને રસ્તો ય સૂતેલો હોય એવા ઠિઠુરાઈ ગયેલા ભેંકાર વાતાવરણના કાળી શાલ લઈને શિયાળાની શામ આવે છે. જાણે જગત મૂવીંગ એચ.ડી. વિડિયોમાંથી સ્ટેન્ડસ્ટિલ ફોટોફ્રેમ બની જાય છે. આપણા જ પગલાનો અવાજ જાણે પારકો હોય તેમ સંભળાય છે. ઉપર જામેલા બરફ નીચે યુરોપમાં નદીઓનું પાણી પડ્યું રહે, એમ થથરી ગયેલી ટાઢીબોળ ચામડી નીચે ગરમ કહેવાતું લોહી સુન્ન પડી જાય છે.

અને આ હૂહૂકારની વચ્ચે જે ગ્લૂમી, બોઝિલ સાંજ આવે ત્યારે સૂર્યના અસ્તની સાથે એકલતાનો ઉદય થતો હોય છે. શરીર ફરતે કસીને ભીંસેલી ધાબળી કે ચપોચપ ફિટ થતા જેકેટ સિવાય બીજો કોઈ સ્પર્શ સાંપડી શકે તેમ ન હોય, ત્યારે બહાર બરફ જામવાનો શરૂ થાય, ત્યારે અંદર યાદોનો બરફ ઓગળવાનો શરૂ થતો હોય છે ! શિયાળાની શાંતિ, મૌન મહોલ્લો અને પડઘાતા પીગળતા પોકારો ! અને રતિક્રીડામાં મસ્ત નવયુગલોના સહવાસનો તણખો વાતાવરણને સજીવન કરી મુકે. એ પ્રેમના પ્રસ્વેદની પરખ કૈક નવું જ જોશ આજુબાજુની હવામાં ભરી દે. ત્યારે અંદરની બાજુએ જામી ગયેલું લોહી ઓગળે, જાણે અખા શરીરમાં ધબકારા વધ્યા હોય એમ શ્વાસ મેરેથોનની જેમ દોડે, અધુરી ખ્વાહીશ વર્ષોની પૂરી થઇ હોય તેમ લાગણીઓના ઘોડાપુર આવે, યુગલની સ્મૃતિઓ તીક્ષ્ણ નખથી છાતીમાં ન્હોરિયા ભરશે. આવા યુગલ માટે એક લાઈન ઘણા સમય પહેલા વાંચેલી જે આજે યાદ આવે છે, “સુબહ ભી હૈ, શામ ભી, ઔર દુપહર ભી… હમ હી ને રાત ચુની !”

ટહુકો : કાળા તલનું કચરિયું (મસાલા સાની), તુલસી અને જડીબુટ્ટીવાળો આયુર્વેદિક હર્બલ હેલ્ધી આઈસ્ક્રીમ, મરચાના વઘારવાળી અડદની દાળના સબડકા, ટોસ્ટેડ બ્રાઉન બ્રેડ પર બટર સાથે કેસર-સાકરવાળો આમળાનો તાજો મુરબ્બો, ચ્યવનપ્રાશ, સાઈટ્રસ ફ્રુટસની રસના ફૂવારા ઉડાડતી બાઈટસમાં બાથ, લાલચટ્ટક દેશી ટમેટાંનો ગરમાગરમ સૂપ, કાળા-ધોળા તલ કે શિંગ- દાળિયા- મેવા મઢેલી ચીકી, મમરા-રાજગરાના લાડુ, કાજુ-કિસમિસથી ભરપૂર દૂધમાં બનાવેલો ગાજરનો હલવો, ચોખ્ખા ઘીમાં નીતરતા મોહનથાળ, સૂંઠ નાખેલી ઘૂઘરાયિળી સુખડી, ચણાના લોટનો મગસ (મગજ!), ગડદિયા જેવું બોડી બિલ્ડિંગ કરતો અડદિયો, વગેરે…ખાવા-ખવડાવવાના અઠંગ શોખીન બનીને સ્વાદેન્દ્રિયને પંપાળીએ.

related posts

પરિસ્થિતિનો ‘પામર’ પામે કેટલું? ‘માર્ક્સ’ને મળે માર્ક્સ માત્ર પુસ્તકોમાં !

પરિસ્થિતિનો ‘પામર’ પામે કેટલું? ‘માર્ક્સ’ને મળે માર્ક્સ માત્ર પુસ્તકોમાં !

॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ

॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ