લાકડાની ફ્રેમમાં કેદ બે જીવ એક બનીને !

 

….અને
એક પર્ણ વૃક્ષ પરની એક શાખા પર મોતીની જેમ ચમકતું હતું. અમુક રાઝ લઈને સાંજ પડતા ખર્યું. તેની પીળાશમાં અનેક દર્દની ચીસો સંભળાતી હતી. ફૂલની કળી ચીમળાઈને ખરી. અપરિપક્વ સ્વપ્ન રોળાયા. રસ્તાની આડશ પર બંને એકબીજા સાથે ગુફ્તગુ કરી રહ્યા હતા. એક મોટરકાર બંનેના સંપૂર્ણ ભૂતકાળને તેના વ્હિલ નીચે ઘસડે તેની થોડી જ વાર હતી. ત્યાં જ પવનના ધક્કે ચડીને બંને દૂર ચાલ્યા ગયા. અપૂર્ણ રહી ગયેલ ખ્વાબ ને પૂરા કરવાનો મોકો ફરી મળ્યો. હવા સાથે મિત્રતા થઇ. એ ગાડીના એન્જીનના અવાજમાં ઘણા અવાજો કપાયા.

રસ્તાના છેડે કોઈ આંખ તેનો મિઝાઝ બદલી રહી હતી. જેમ પહેલા વરસાદમાં ઠેર-ઠેર ઘાસ ફૂટી નીકળે તેમ સ્મરણો ફૂટ્યા. આંખની પલકારમાં અનેક સ્ટેન્ડ-સ્ટિલ ફોટોગ્રાફ્સ સચવાયા. નહિ પહોંચેલો અવાજ તેના ઝઝ્બાત સુધી પહોંચવા દોડતો હતો. એ જ પરિચિત ફાટક. વૃક્ષોની ડાળી વચ્ચેની જગ્યામાંથી કોઈનો ચહેરો દેખાયો. ધૂંધળું દ્રશ્ય સચવાયું. રસ્તાની બંને બાજુ ઉગેલી લીલોતરીની કમાન કમાલની હતી. એ જ લાલ માટીનો રસ્તો, જ્યાં ક્યારેક તેની પાછળ જતા મારા સ્લિપરનો રંગ ફરી જતો. તે રસ્તેથી જોયેલું આકાશ અને એ બંનેની વચ્ચે ઝૂલી પડેલ અબોલ અંધકાર, ખુદના અસ્તિત્વને શોધી રહ્યો હતો. આગળ વધાયું અને ખૂણામાં નજર દોડી ગઈ. જરા જમણી તરફની બારીના સળિયાની પાછળથી દેખાતી એક આંખ મને ચૂપ કરતી. ખ્વાબ ગૂંથતા અને તે પણ અનંત સ્વપ્નોના સારતત્વ જેવા સ્તો!

તે પગથિયા ચડ્યો. દરવાજો બંધ હતો. રિંગ-બેલ એક જ એવી વસ્તુ હતી જે દેખાતી હોવા છતાં જાણે અજાણ હતી. હિંમત નહોતી, એ વગાડીને કોઈનો ચહેરો જોવાની. હું ઉભો રહ્યો. એ સમયે ઉઠેલા પ્રશ્નો કદી જવાબ ન બને તેવી ઈચ્છા એ જન્મ લીધો. ફરી હિંમત કરીને બેલ તરફ હાથ પહોંચ્યો, ત્યાં જ બારણું ખુલ્યું. દૂરથી દેખાયેલા એ ચહેરાની આંગળીઓ સાથેનો સ્પર્શ થતા જ ઝંકાર થયો. શરીરના વાયોલીન એવા હૃદયનો તાર રણકી ઉઠ્યો.

એ લાકડાની ફ્રેમમાં ગોઠવાયેલી બારીમાંથી નજર કરતા આજે પણ તે ચહેરો દેખાય છે, મારી સાથે! રોજ સવારે તેના પર પડતું સૂર્યનું પહેલું પ્રકાશનું કિરણ આજે પણ રોમાંચ જન્માવે છે. તે એટલે દિવાલ પર લાકડાની ફ્રેમમાં અમારા બંનેના અસ્તિત્વનું ચિત્ર…! જાણે પર્ણ અને કળીની ગુફતેગુ હજુ ચાલે છે. બેફિકરાઈથી બંને ખીલી રહ્યા છે, પણ આજે એ દરવાજાની અંદર…!

related posts

બૂટપાલિસ…! ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ !

બૂટપાલિસ…! ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ !

ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ

ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ