લાઈફ = ‘ટ્રાયલ & એરર’ મેથડ + સેલિબ્રેશન

“Keep me away from the wisdom which does not cry, the philosophy which does not laugh and greatness which does not bow before children.” – Khalil Gibran


પોતાની જાતને મોટીવેટ કરવા માટે અલગ-અલગ લોકોની સુફિયાણી વાતોને માત્ર જીવનના અમુક નહીવત જેવા ભાગમાં સાચવીને રાખેલી, ડરથી ભરેલી અને ભારેખમ બોજા હેઠળ દબાયેલી ફિક્કી ‘સાદી ખીચડી વિધાઉટ કઢી’ જેવી બેસ્વાદ પળોને સતત ને સતત ‘ડન’ કરીએ છીએ, માત્ર ઉપરછલ્લા હાસ્યના નકાબની પાછળ છુપાવીને. દરેક પળ એટલી ગંભીરતાથી વ્યતીત થતી જાય છે એ બહુમુલ્ય છે. જેમાં કઈક લિવિંગ લાઈફનો ચાર્મ મહેસુસ કરીને તેનો આસ્વાદ માણવાનો છે ત્યાં ભવિષ્ય + ભૂત બિહામણા ચહેરાઓ લઈને વર્તમાનની ‘ઐસી કી તૈસી’ કરીને છોડી દે છે. બીજાને શું ગમે? અને હું જે કરું છું એ બીજાને ગમશે ખરું? મારી જાતને બીજા પાસે હું કઈ રીતે સાબિત કરી શકીશ? દોસ્ત, તો પછી મારી જીવનકથનીનું અસ્તિત્વ જ શું? મારું વજૂદ જ શું? જો હું માત્ર બીજા માટે જીવતો હોઉં.

દરેક પોતાની અંગત વાત અંદર છુપાવી-દબાવીને રાખે છે. કોઈ સાથે ખુલીને બહાર નથી આવી શકતો વ્યક્તિ. જેમને અંગત માને છે એમના જ ડરથી ડરીને બેઠો છે અને પોતાના અસ્તિત્વને જ નકારી રહ્યો છે. મૌન થકી માત્ર અંદરની પીડા વધતી જાય છે, જે પોતાની સમજણ પર રહેલા આવરણને તોડે છે. જીવનના બે મુખ્ય પાસા છે, સત્ય અને સુંદરતા. સત્ય હંમેશા મજુરના હાથમાં દેખાય છે અને સુદરતા હંમેશા પ્રેમરસથી પુલકિત હૃદયમાં દેખાય છે.

મોટે ભાગે એવું બનતું હોય છે કે, જે આપણે છીએ એ ક્યારેય સાબિત કરી શકતા નથી. કુટુંબના સભ્યોને ક્યારેય ‘આઈ લવ યુ’ કહી શકતા નથી. આંખમાં આંખ મિલાવીને પેરેન્ટ્સને એનિવર્સરી વિશ કરી શકતા નથી. દોસ્તની સાથે ખુલીને વાત શેર કરી શકતા નથી. પત્નીને સાચું કહી શકતા નથી. પોતાના દીકરાના મોઢે બાપ ૨ લાઈન વખાણની કહી શકતો નથી. બીજાની નીજી જિંદગીમાં ડોકિયા કરી-કરીને જાણે બોર્ડની પરીક્ષા આપવાની હોય તેવી કમ્પેરીઝન કરીએ છીએ. પોતાની ક્રેડીટ જાળવવા પોતાની એકલતા દુર કરતા નથી. આજ સુધી ક્યારેય અજમાવ્યું નથી, લોકો શું કહેશે ? એનો ડર હમેશા રહે છે. પણ જે નથી કર્યું એ આજે કરવું છે એવા જિંદાદિલ જુવાન બનવાની ત્રેવડ હજુ સુધી આવી નહિ. વર્ષોથી જે મને ગમે છે, એને જ હું પોતાની વાત કહી નથી શકતો, તો એ વ્યર્થ છે. ડર મનમાં રાખી અને વસવસો હૃદયમાં રાખીને બેસવાથી સ્થિતિ પ્રેશર કુકર જેવી જ થશે.

પોતાની એબિલીટી સાબિત કરવા ઘણી એવી ઇનોસન્ટ વાતોને પ્રાધાન્ય આપીએ છીએ જે યોગ્ય નથી. ‘અહમ’ હમેશા પોતાનો વચ્ચે આવી જાય છે. વર્ષોથી જેમ રહીએ છીએ એમ જ રહેવું ગમે છે. પરંતુ, એક પ્રશ્ન …! શું હું વર્ષોથી જેમ રહું છું એ બરાબર છે કે?

વિશ્વાસ વગરની જિંદગી જાણે, કાચબાનું નિર્જિવ કોચલું.

પ્રેમ વગરની જિંદગી, જાણે વસંત વિનાની ઋતુ.સ્વાતંત્ર્ય વગરની જિંદગી જાણે, આત્મા વિનાનું શરીર.

હિંમત વગરની જિંદગી જાણે, ભગવાન વિનાનું મંદિર.

જિંદગી તો જાણે શેરડીનો સાંઠો, માંડ મીઠી લાગે ત્યાં આવે મોટો ગાંઠો.

“હું સુતો અને મેં સ્વપ્ન જોયું કે જીવન ખુશી છે, હું ઉઠ્યો અને જોયું તો અહેસાસ થયો કે જીવન એક સેવા છે, અને જયારે સેવા કરી ત્યારે જાણ્યું કે સેવા એ જ ખુશી છે”. – ખલિલ જિબ્રાન

દોસ્ત, દરેકેને ભગવાને આ રંગમંચ પર પોતાનું માર્કેટિંગ કરવા જ મોકલ્યા છે. પોતાના અંગત સાથે, મિત્રો સાથે, બાળકો સાથે. જેટલું વહેચી શકો એટલું જ સાર્થક છે. તડકે મુકેલી છાસની બોટલમાં જેમ-જેમ ગેસ ભરાય તેમ જીવનમાં નકામા વિચારોનો ભરાવો થશે તો ક્યારેક તો ફાટશે જ. એના કરતા તેને મુક્ત કરવું જ હિતાવહ છે. રડવું છે છતાં મન ભરીને રડી નથી શકતા, હસવું છે છતાં ચહેરો ખીલવી નથી શકતા, ખુશ થવું છે છતાં ગમે તેમ કરીને ખોટા વિચારોને એ સમયે મનમાં એન્ટ્રી આપીએ છીએ, પપ્પાને ભેટવું છે પણ હિંમત નથી કરી શકતા, મમ્મીના ખોળામાં ફરીથી બાળક બનીને સુવું છે છતાં કહી નથી શકતા, ભાઈને પ્રોત્સાહન આપવું છે પણ કઈ વાત છે જે હજુ જીભને રોકે છે, બહેનની સામે પોતે ભાઈ તરીકેની લાગણીને અભિવ્યક્ત કરવી છે છતાં એ વાતમાં છોછ ઉભો થાય છે, પોતાની જીવનસંગીનીને પ્રેમના બે શબ્દોથી નાવાજવી છે પણ એ શરમની આડશમાં ક્યાંક ખોવાઈ જાય છે,  મિત્ર સાથે બે પળ સાથે બેસીને ક્ષુલ્લક વાતોની મજા માણવી છે પણ બુદ્ધિને ત્યારે જ વચ્ચે લાવીએ છીએ. હા, આ દરેક વાત કરવી છે, જાહેર કરવી છે. પણ ક્યારેય કરી નથી શકતા.

મીઠી મધરાખ જેવા મીઠા સગપણ સાથે ઈશ્વરે આ દુનિયામાં આપણને મોકલ્યા છે કોઈક સંબંધ-સેતુથી બાંધીને, પણ એ સેતુના તાંતણાઓને એક મજબુત દોરમાં પરોવવાને બદલે કાચા બનાવતા જઈએ છીએ. આ મધુરતાને કડવાશ તરફ વળતા જઈએ છીએ. પોતાની અભિવ્યક્તિઓને નિવૃત્ત કરીને પ્રેમના તળાવમાં માત્ર કિનારે જ બેસી રહીએ છીએ. બસ, જિંદગી એક ટ્રાયલ & એરર મેથડ છે. એનો કોઈ તોડ નથી, પણ જે તોડ મળે તેમાં જ તાળો મેળવીને દરેક તાળાને ‘સેલિબ્રેશન’ નામની ચાવીથી ખોલીને જીવનના દરેક રસનો આસ્વાદ માણતા રહીએ, લુફ્ત ઉઠાવતા રહીએ. જિંદગી તો બહુ જોરદાર છે, જો જીવતા આવડે તો.

ટહુકો: સુખ અને દુઃખ, આ બંને સમયે આ એક વાત યાદ રાખવી. ‘આ સમય પણ ચાલ્યો જશે.’

related posts

“મન મેં લડ્ડુ ફૂટા, ક્યાં ?…”

“મન મેં લડ્ડુ ફૂટા, ક્યાં ?…”

નવા વર્ષ વિષે થોડું નવું…

નવા વર્ષ વિષે થોડું નવું…