(બોનસ+સેલરી)નાં કૉમ્બો પેક અને બેબલીનો ડ્રેસ 

આજે સવારે કંપનીમાં એક ઓપરેટર ઘણા બધા લેડિઝ ડ્રેસ લઈને આવ્યો. ગામડાના લોકો માટે દિવાળીની ખરીદી શરુ થઇ ગઈ. (બોનસ + સેલરી)નો કોમ્બો પેક દિવાળીના મહિનામાં દરેક વર્કરને મળ્યું જ છે. કેટલાક ઉછીના-પાછીના કામો પતાવીને જે બચ્યા હોય તેમાંથી દિવાળીની ઉજાણી કરવાની હોય. છોકરાઓને બબ્બે જોડી નવા કપડા અને વાઈફ માટે સાડી, દીકરી માટે ડ્રેસ અને પોતાના માટે જે કઈ વધે તેમાંથી અમુક ખરીદી. આ દરેક ઘરમાં ઘર ચલાવવા માટે ઘરની બહાર રહીને મહેનત કરતા પપ્પાનો ક્રમ હોય છે. સારું-નરસું હોય છતાં પોતાના કુટુંબ માટે સદાય ઋણી રહેનાર બાપ હંમેશા પોતાના સંતાનો માટે સુપરહીરો જ હોય છે. આવતા મહિનાની ડિમાન્ડનો અંદાજ બાપ ચાલુ મહીને જ તાકી દે છે. 
 દરેક ઓપરેટરો પોતાની દીકરી અને પત્નીઓ માટે ડ્રેસ જોઈ રહ્યા હતા. સવારમાં બે કલાક સુધી કંપનીનો કોઈ સ્ટાફ હોય નહિ એટલે આરામથી ડ્રેસ ખોલીને જોઈ રહ્યા હતા. દરેક ઓપરેટરની આંખો અને ડ્રેસની વચ્ચે પોતાની પ્રિયતમા અથવા પોતાની દીકરીનો ચહેરો તરવરતો હતો. ડ્રેસ હાથમાં લેતાની સાથે જ બાપની નજર સમક્ષ દીકરી આવીને ઉભી રહી ગઈ હોય તેવું તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.

“અલ્યા, ચંઈ હરખો ડ્રેસ બતાવને મારી નાની બેબલી માટે, અલ્યા..!”

“કેવો લાગશે મારી બેબલીને? આમ તો મારા જેવું જ પાતળું શરીર છે.” ફરી પાછો પોતાની દીકરીને એ ડ્રેસ મનની આંખોથી પહેરાવીને ડ્રેસ કેવો લાગશે તેનો તાગ મેળવી લે છે.

“ઓય, આખી બોંયનો બતાવ..! ગોમડામાં ટૂંકી બોંયનો ડ્રેસ બેબલીને પહેરાવતા જીવ નૈ ચાલતો. ઈ શે’રમાં કોલેજ કરવા જોહે ત્યોરે ભલે’ન પે’રતી.”

એમના ચહેરા પર ખુશી હતી. પોતાની દીકરીને આજે સરપ્રાઈઝ આપીને તેના ચહેરાની માત્ર ખુશી જોવા માટે બાપનો ચહેરો અત્યારથી જ ખીલી ઉઠ્યો હતો. ચહેરા પરનું ધીમું-ધીમું સ્મિત હૃદયમાં અનેક ઉત્સવ પહેલાના ઉત્સાહની ઉજાણીના અનેક રંગો પૂરી રહ્યું હતું. 

એટલામાં વળી, બીજો કોઈ બોલ્યો. “મારું બૈરું, ક્યોરનું કે’ય છે કે મારે ડ્રેસ લેવો છે. હવ, આપણી જોડે પૈસ્યા આખું વરહ ચ્યો આવવાના હોય? બોનસ આવ, એટલે ખરીદી કરી લઈએ થોડી..!”

નાઈટમાં ડ્રેસ પહેરવા ચાલે ને..! દિવસે તો સાડી પહેરવાની હોય ગોમડામાં. નાઈટ મોં ચાલે. છેલ્લે એક ઓપરેટર બોલ્યો એ વાત ખરેખર ગળે ઉતરી ગઈ.

“અમારું બૈરું ક્યોરેય એમ ના બોલે કે મારે પિયર જાવું હ..! કોઈ ‘દિ ફરિયાદ ના હોય. આપણે ભૂરા, ખર્ચો જ એટલો કરીએ ને..! શું હંગાથ આવાનું છે આખી જિંદગી મોં? તમ’તમારે ખર્ચા થાય એટલા બૈરા પર કરવાના. એ ખુશ એટલે આખું કુટુંબ ખુશ. આ દિવાળીનું આખું બોનસ એને હોંપી આલ્યું, ને કહ્યું ‘તારે જે લેવું હોય તે લઇ લે. ફાયદો એ થયો કે મે સામે ચાલીને બોનસ આપ્યું, તો એ મારા માટેય નવા વર્ષના દા’ડે પહેરવા મસ્ત જીન્સ-ટી શર્ટ લઇ આવી.”

એમની નાની-નાની ખુશી જોઇને મારા દિલને ફરી કિક વાગી. આટલું બધું ભગવાને આપ્યું હોવા છતાં, ‘હજુ કંઇક બાકી રહી ગયું’ એવી ફીલિંગ કેમ આવ્યા જ કરે છે? બાપના ચહેરા પર જે ખુશી છલકાતી હતી તે માત્ર તે જ અનુભવી શકે..! પોતાની પત્નીને માટે લીધેલ ડ્રેસની ગીફ્ટ માટે જલ્દીથી પોતાની શિફ્ટ પૂરી થાય તેની રાહ જોવાતી હતી. તેથી જ કદાચ, સંતોષની લાગણીનો જન્મ હંમેશા અભાવમાં જ થાય છે. 

જેની પાસે કશું જ નથી તેને માત્ર વસ્તુનો ‘ભાવ’ નડે છે, જેની પાસે થોડું છે તેને ‘અભાવ’ નડે છે અને જેની પાસે બધું જ છે તેને પોતાના જ વ્યક્તિત્વનો જ ‘સ્વભાવ’ નડે છે.
(એક વર્ષ પછી રિ-કૉલ થયેલ પોસ્ટ) 🙂

related posts

कहानी भी क्यूट बनती है!

कहानी भी क्यूट बनती है!

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ