પરિસ્થિતિનો ‘પામર’ પામે કેટલું? ‘માર્ક્સ’ને મળે માર્ક્સ માત્ર પુસ્તકોમાં !

 

 

અમદાવાદથી રાજકોટ.

બપોરે ૩ વાગ્યે ગીતામંદિરથી એસ.ટી બસમાં વર્ષો પછી બેઠો. મનમાં બસ પ્રત્યે બારીના કાચ અને દરવાજાના ખડ – ખડ અવાજની ગ્રંથિ બંધાયેલી હતી. જે ઘણા વર્ષો બાદ એસ.ટી સફરમાં સાબિત થતી જતી હતી. ૪ કલાકનો રસ્તો પસાર કરવા માટે આ વખતે ઇઅર-પ્લગ્સના બદલે બે પુસ્તકો લીધા હતા.
‘ત્યારે કરીશું શું?’ – લિયો ટોલ્સટોય લિખિત પુસ્તક લઈને બેગને બસના માળિયે ચડાવ્યું. ટોલ્સટોયે ગરીબોની વેદનાથી દ્રવિત હૃદયે પોતાના જીવનનું સુકાન કેવી રીતે ફેરવ્યું તે વાતોમાં હિપ્નોટાઈઝ થતો જતો હતો.

મોસ્કોના ભિખારીથી વાત શરુ થઇ. શહેરી ગરીબાઈ અને તેના ભિખારીઓની વાતો જાણવા મળી. પ્રશ્નો થતા જાય અને ઉત્તરો મળતા જાય તેવી સોશિયલ એન્સાઈક્લોપીડિયા એટલે આ બૂક. બસની ગતિ સાથે આ પુસ્તકમાં દર્શાવેલ મોસ્કોના વર્ણનો નજર સાથે તરવરતા હતા. કોઈ સ્ટેશન આવતાની સાથે જ શહેરી કંગાલિયત નજરે ચડતી હતી. એ ખિત્રોવની બજારને બદલે મને અહીની જ મારી કોઈ સોસાયટી હોય તેવું લાગતું હતું. ફાટેલા-તૂટેલા ચણિયાઓ પહેરીને નાના ગંદા નિર્વસ્ત્ર બાળકોને પોતાના ખોળામાં લઈને વૃદ્ધાઓ બેઠી હતી. તેઓ સંકોચ શું છે? તે સુદ્ધાં ન જાણતી હતી. છતાં, પોતાનો સમાન વેચ્યા કરતી હતી. એ બાળકના ચહેરાને પોતાના મેલા-ઘેલા પાલવથી વારંવાર સાફ કર્યા કરતી હતી. શીંગ -ચણાની થેલીઓ, પાણીના પાઉચ, ભૂંગળા – બટાટાનું લાંબો સમય હાથમાં પકડવાથી ભીનું રગદોળાયેલ હાથમાં પકડી રાખેલું કાગળ, ટોલનાકા પાસે ઉભી રહેલી બસ પાસે દોડીને પાણીની બોટલ આપવા આવતો માણસ. આ દરેકને હડસેલો મારીને બારીની દૂર ભગાવતા અમુક સામાજિક કીડાઓ આ પ્રવૃત્તિથી અકળાઈ ઉઠતા હતા. કોઈકની અશ્લીલ ગાળો, રંગ ઉડી ગયેલા કપડા, પોતાની સીટને પ્રિ-બૂક કરાવવા માટે બસની બારીમાંથી ફેંકાતા રૂમાલ – થેલાઓ – સ્કાફ. તેમાં પણ આ વખતે પેન્ટનો બેલ્ટ પણ ફેંકાયો, જે નવી જ વાત હતી.

એટલામાં જ ફાટેલો લાંબો શર્ટ પહેરીને કોઈક ભાઈ “ગરમ – ગરમ, ચણા જોર ગરમ” કરતો ચડ્યો. કોઈએ માંગ્યું નહિ, છતાં તે એક કાગળને શંકુ બનાવીને બધું મિક્સ કરવા લાગ્યો. તરત જ નાના બાળક તરફ જોઇને બોલ્યો, “લે, બેટા.” અને તરત જ તેની મમ્મી ભડકી, “તેને નથી ખાવું.” હજુ તેની મમ્મી વાક્ય પૂરું કરે ત્યાં જ એ બાળક તે ભાઈના હાથમાંથી ‘ચણા જોર ગરમ’ની લિજ્જત ઉડાવવા માંડ્યો. આ બધું જ સામાજિક કંગાલિયત દર્શાવતી હતી.

આ જ પુસ્તકના દ્રશ્યો જોયા પછી પ્રેક્ટિકલ સાંભળવા મળે એનાથી વિશેષ શું હોય?

એટલામાં જ એક ભૂતપૂર્વ બસ કંડકટર બસમાં બેઠો. એ બોલતો હતો. બધાને સંભળાય એ રીતે બોલવા લાગ્યો.

“હું બસ લઈને ગમે તંઈ લજામણી હોટેલ ઉભો રવ ‘ને! ત્યાં તો પનીરનું શાક, રોટલો, સાશ ‘ને ડુંગળીના દડબા હાઝર થઇ ઝાય.”
“એક ‘દિ હંધાયને લઈને રાય’તના ૧૨ વાગ્યી જેતપુર ભણી ઝાતો ‘તો. બસનું ટાયર ઘૂશી ગ્યું ખાડામાં. ઉતરે કોણ? કોઈના બાપની રાહ ઝોયા વિના ઉત્રી ગ્યો ખાડામાં. ટાયર બા’ર કાઢીન બસને હાલતીની કરી દીધી. આપણને બોલાવેલા મંત્રી શાય્બે તે ‘દિ!”
“રોઝ આ જ હોટલ પર બસ ઉભી રખાવતો. પણ, આઝ કોઈ પૂસે’ય સે? અરે, ખમણનો ડટ્ટો ય કોઈ નથ ખવડાવતું! કઠણાઈ ભાઈ, કઠણાઈ. કળજુગ જ કેવા’ય આને તો..! આયા એનો બાપ વિહ વરહથી આ હોટલ ઉપર ઉતરતો, કેટલીયે કમાણી કરાય્વી હશે. પણ રીટાયર થ્યો તો ઝાણે ભૂલી ગ્યા હંધુય. એની પાહે ફદયા નો’તા તંઈ એના સોકરાવની ફી યું મેં ભરી સે. ઈ હવે હંધુય ભુલાઈ ઝાય. હામું ઝોવે, પણ પાણી નું ય પૂસે તો બે બાપનો થઇ ઝાય હવે તો ઈ…!”

આ વાતમાં ઘણું બધું સમજાતું હતું. પુસ્તકની એક-એક લાઈન ઉકેલાતી ગઈ. હું એ કંડકટરની પરિસ્થિતિ પૂરી સમજતો હતો. ભીખ પણ માંગવી હતી અને સ્વીકારવું પણ નહોતું. સામે છેડે, પેલી હોટલ વાળો ઓળખાણ હોવા છતાં ઓળખતો ન હોય તેવું કરતો હતો.

બીજા પાસે કંઈ નથી, જયારે મારી પાસે બે વસ્ત્ર છે. કોઈ પાસે ખાવાનો ટુકડો પણ નથી, ત્યારે મારી પાસે સારી વાનગી છે. આ ભેદ કદી પણ ભૂંસાવાનો નથી. જો ભૂંસાઈ ગયું તો લાગણીઓ કઈ રીતે જીવિત રહેશે?

(૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૬. સાંજના ૭:૦૦ વાગ્યે)

related posts

Only Thala, Jersey no. 7!

Only Thala, Jersey no. 7!

આવ સખી, રમીએ દરિયે, એક તું – એક હું !

આવ સખી, રમીએ દરિયે, એક તું – એક હું !