પરિભાષા : વર્ષો પહેલાનો એક ‘રવિવાર’

unekdk8equzmwwh72fjt.jpg (4000×2112)

આજથી ૧૫ વર્ષ પહેલાનો રવિવાર યાદ કરું છું ત્યારે ઘણા સંસ્મરણો મનની દીવાલથી ઉખડીને હૃદય પર સીધા જ ચોંટી જાય છે, સવારના સીધા-સટ ફાફડાની જેમ જ. રવિવારનો દિવસ હોય એટલે બપોર પછી મારા સુરતના ‘મહારાણા પ્રતાપ ઉદ્યાન’ – ‘ચોપાટી’માં જવાની સવારથી રાહ જોવાતી હોય. સવારે પપ્પા મોર્નિંગ વોક પરથી આવે ત્યારે મમ્મી મને ઉઠાડે. હું ૨-૩ વખતે ઉભો થાઉં. બ્રશ કરું ત્યાં પપ્પા એ લાવેલ ખમણ કે ફાફડી શહીદ થવા માટે મારી સામે ટગર-ટગર જોઈ રહે. ક્યારેક વળી, સવારમાં જ મમ્મી ઉપમા – પૌંઆ – મમરા તૈયાર કરી જ દે. હું તૈયાર થઇને ઘરની બહાર આવું. નીચે અમારે એક નાની ગેલેરી હતી. જેમાં પપ્પાનું સ્કૂટર હોય, તેને સાફ કરતો. પછી બે મકાનની ગેલેરીને અલગ પાડતી પાળી પર ચડીને બેસી જાઉં. ત્યારે બહુ બુદ્ધિ નહોતી, તેથી શેરીમાં કોણ આવે ને કોણ જાય? એ પ્રશ્ન થતો જ નહિ. એ પાળી પર બેસીને હું મારું હોમવર્ક (મારા માટે ‘લેશન’) કરતો. અક્ષર પહેલેથી બહુ સારા હતા, જેની પાછળનું સુપર્બ કારણ મારા પપ્પા હતા. ઉપરાંત, રવિવારે હું મોટેભાગે ચિત્ર દોરવાનું જ વધુ રાખતો. કલર પેન્સિલ અને ચિત્રની બૂક (મારો તો ‘ચોપડો’) લઈને એ પાળી પર બંને પગ ઘોડો પલાંગીને બેસી જતો. મારું ચિત્ર બહુ સારું થતું, તેનું કારણ મારી મમ્મી હતી. બપોર સુધી ચિત્ર દોરવાનું અને ત્યાં તુરિયા-પાત્રા કે પછી બટેટાનું રસાવાળું શાક બની જાય. સફેદ કઢી અને વટાણા નાખેલ ભાત બનતા હોય ત્યાં જ હું રસોડામાં પહોંચી જાઉં. સાથે મળીને જમીએ.

જમીને સાથે મળીને બધાએ વાતો કરવાની જ, આ ઘરનો નિયમ. હું મમ્મીના ખોળામાં માથું રાખીને સૂતો હોઉં. પપ્પા પૂછે કે ન પૂછે, રોજ કંઇક નવું-નવું બનવું છે તેવું કહેતો. જીંદગીની બહુ ડિમાન્ડ નહોતી, તેથી બધું જ બની શકાતું હતું. બપોરે હું સુઈ જાઉં પછી પપ્પા-મમ્મી કદાચ આર્થિક પ્રશ્નોની વાતો કરતા હશે.

અમારે બજાજનું સ્કૂટર હતું. ચાર-પાંચ વાગ્યે બધા ઉઠીએ અને તૈયાર થવા માંડે. દર રવિવારે સગા-સંબંધીના ઘરે બેસવા જવાનું અને પાછા ફરતા ‘ચોપાટી’ માં જવાનું. મારી પાસે કાળા પેરાગોનના સેન્ડલ હતા, પરંતુ પાછળની પટ્ટી તૂટી ગયેલી. મમ્મીએ સેન્ડલની પાછળની પટ્ટી કાપીને ચપ્પલ બનાવી દીધા હતા. એ એક વર્ષ જૂના ચપ્પલ પહેરતા હજુયે નવા જ હોય તેવી ફીલિંગ આવતી. હું સ્કૂટર પર અડધી કલાક પહેલા જ આગળ ઉભો રહી જાઉં. પપ્પા-મમ્મી ટીયર થઈને આવે ત્યાં સુધી ખોટું-ખોટું સ્કૂટર ચલાવવાની એક્ટિંગ કરવાની. હોર્ન વગાડવાનો અને ‘જલદી ચલો મમ્મી…જલ્દી કરો પપ્પા’ની બૂમો પડવાની. મમ્મી મારી હિરોઈન અને પપ્પા મારા હિરો. તે સમયે મારા ફેવરિટ હિતેનકુમાર અને રોમા માણેકની જોડી. ઘરમાં ટીવી. નહોતું એટલે માત્ર ગુજરાતી ફિલ્મો જ જોવા જતા. ઘરેથી પાણીની બોટલ અને ચણા-વટાણા થેલીમાં ભરીને સ્કૂટરની આગળ હેન્ડલ પકડીને ઉભો રહી દુનિયા જોયા કરતો, સાથે સાથે પોતાની દુનિયા બનાવ્યા કરતો. ગંજીફાનાં પત્તાની જેમ. પરંતુ, ક્યારેય એ દુનિયાના સપનાઓ પવનના જોરે પત્તાના મહેલની જેમ પડી નહોતા જતા. નિ:સ્વાર્થ પ્રેમને સંભાળવા માટે મમ્મી-પપ્પાની ઢાલ હતી.

જે આજેય ૨૩માં વર્ષે રવિવારના દિવસે સવારના પહોરમાં અમદાવાદથી સુરત કરેલા ફોન પર થયેલી વાતમાં છલકે છે. સપનાઓ તો જોવાના જ, કારણ કે એ દરેક સપનાઓ આપણા પેરેન્ટ્સ આપણી સાથે જ જીવતા રહેલા હોય છે. જાહોજલાલી નહોતી, તેથી જ કદાચ ફેમિલી પ્રત્યેના પ્રેમની ભાષા આજેય સમજાય છે. smile emoticon

related posts

લવ મેરેજ કે અરેંજ મેરેજ ?

લવ મેરેજ કે અરેંજ મેરેજ ?

જ્યારે પહેલું અંગ્રેજી ગીત સાંભળ્યું ત્યારે…

જ્યારે પહેલું અંગ્રેજી ગીત સાંભળ્યું ત્યારે…