ધીખતે તડકે રોંઢડિયું (2)

collage-2017-05-17

શેરીની એક રીતભાત હોય, ઉઠક-બેઠક હોય. કૉ-ઓપરેટીવ સોસાયટી માત્ર નામ પૂરતી ચોપડે જ હોય, પણ ‘શેરી’ એ રહેવાસીનો જુબાની શબ્દ છે. બપોરના તડકો ઓછો થતાં લસણના ગાંઠિયા સાથે સાંજે બનાવવાનું શાક લઈને ગૃહિણીઓ બેસે. કોઈક લસણની કળી ફોલવામાં મદદ કરે તો બાજુમાંથી બીજા બાજુમાં આવીને બેસે અને સાડીએ ટાંકવાના આભલા લઈને આવે. ટેકા માટે એકાદ લાકડાનું પાટિયું અને પગ લાંબા કરીને બેસવા એક તકિયો કે ઓશીકું જેવી સવારી લઈને તેણીઓ બેસે. આવતાં-જતાં દરેક વિષે કશુંક ‘ન્યૂ અરાઈવલ’ વાતોનો મહામૂલો ખજાનો શેર થાય. રમતાં છોકરાઓ અવાજ કરે તો,
“તમારી માયું એ કાંઈ શીખવાડ્યું છે કે નહીં? હૌ હૌ ના ઘર ભણી રમો ને! વળતી ફેરી દડો નૈ દઉં.”

વેકેશનમાં શેરીઓ ઔર રંગીન બની જતી. રાત-દિવસ જાતભાતની રમતો અને ‘કેશ ઓન ડિમાન્ડ’ની માંગણીઓ સતત શરુ રહે. રૂપિયો-બે રૂપિયાથી વધુની માંગણી જ ન હોય! છતાં, ડર લાગે. વળી, જો સુમુલની દૂધની કોથળી વચ્ચે ગાભા ઠાંસીને બનાવેલો બોલ કોઈ ડોશીને બરડે લાગ્યો, તો એ બોલને ડોશીના પગ નીચે વાંકું વળીને બેસવું પડતું. તેમની જોડેથી બોલ પાછો લેવા માટેની કાકલૂદીઓ અને ઝગડો – આ બંને ‘આઈડિયા સેલિંગ’ના કોર્સિસ વિનામૂલ્યે શીખવા મળતા. કોઈકના ઘરની જાળીમાં ભમરડો (જેને ‘ગરિયો’ કહેતાં) ભરાવીને ભરબપોરે જાળી વડે ગરિયાનું ટોપકું કાઢતા હોઈએ કે પછી તેની અણી ઘસતાં હોઈએ (જેથી ‘હાથ જાળી’ વખતે હથેળીમાં નવા ગરિયાની અણી વાગે નહીં) અને તે ઘરનું કોઈ ઊંઘમાંથી ઉઠીને ગાળો ભાંડે તે રોજિંદી ઘટનાઓમાંની એક હતી. ઘરના માળિયે રહેલા ડ્રમની અંદર તળિયું દેખાડતી ફિરકીઓના અંકોડામાં સંકોડાઈને બેઠેલી ઉત્તરાયણની લચ્છીઓ ‘લંગર લૂડી’ માટે ઉનાળું વેકેશનમાં ખૂલતી.

બહુ તડકો હોય ત્યારે કોઈના વાડામાં મોટી શેરી-બહેનો જોડે જઈને ‘અડકો..દડકો’ અને ‘ચકલી ઉડે..’ રમવામાં પણ સંકોચ રાખતા નહીં. પાંચીકા અને એક્કે એક કુંડાળે મામાને બનાવી આપેલા કેટલાયે ઘરો કઈ દુનિયામાં છે એ હજુ સંશોધનનો વિષય છે. લખોટીથી રમતી વખતે ‘લાગે ન બેટ’, ‘લાગે ન ઠેન’, ‘સમો ભોમ લેત’, ‘સીધ લેત’, ‘ટૂંકી વેંત’ – જેવા શબ્દો વધુ બોલીએ તો શેરીમાં નવા આવનારને ક્યારેક ‘આ શેરીના છોકરાઓ વધુ ગાળો બોલે છે’ તેવી કમ્પ્લેઇન પસાર થાય પણ ખરાં! જૂનાગઢ કે જામનગર બાજુના કોઈ શિક્ષક જો ઉનાળે લગ્ન રાખે અને વેકેશનમાં શેરીએ માંડવો બંધાય, તો ‘ચલક ચલાણું, કોને ઘેર ભાણું?’ એ ‘કન્યા પધરાવો સાવધાન’ સુધીની સ્થિતિ સુધી રમાતી. કેરમ એકમાત્ર એવી રમત છે જેમાં પાઉડર લગાવી-લગાવીને રમવાની મજા જ આવ્યા કરે. કારણ કે, કૂકરી ભલે કાળી-ધોળી હોય પણ લાલ લિપસ્ટિકવાળી રાણીની લાલચ તો દરેકને હોવાની જ! ‘નવો વેપાર’ રમાય ત્યારે મુંબઈનો કયો વિસ્તાર સૌથી મોંઘો હશે એ ત્યાં મુલાકાતે વિના જ સમજાઈ જાય. વળી, કયો ગુનો કરીએ તો જેલમાં જવું પડે અને કેટલા રૂપિયે બહાર નીકળાય – આવું જ્ઞાન ગુજરાતી વેપારી દિમાગમાં ઇન્સ્ટોલ થઇ જાય. ‘નારગોલ’, ‘ઈંડું’, ‘કિંગ’, ‘કલરે કલર’, ‘થપ્પો દા’, ‘નદી-પર્વત’, ‘ટીચવા દા’ – આવી અનેક રમતો વેકેશનમાં રમતી. હાર્યે – હાર્યે કૂરકુરાંના પડીકાની મોજ હોય એ અલગ.

સાંજ પડવા આવે તેમ બાકસના ખોખાઓ, ફિલ્મી સ્ટીકર્સ, મસાલાના કાગળ પર વીંટેલ રબર – આ બધું વીણવા નીકળવાનું. જો લખોટી કે શેરીમાં રાખેલી મેચમાં બે-પાંચ રૂપિયાનો વકરો થયો હોય તો ગલ્લે જઈને સાદી સોડા પીવાની. ત્યાં સુધીમાં શેરીમાંથી મમ્મીઓ અને નવી વહુઓ, સાસુ પાછળ ઘરમાં જાય. કંતાનિયા ગોઠવે અને ઉભા થાય ત્યાં જ બાજુમાંથી કોઈક બોલે, ‘લસણના ફોતરાં આ ભણી નો આવવા દેતા હોં! રોજ હવારે મારે ઢહડવું પડે સ’. વળી એ જ, સાંજે દાળ-ઢોકળીમાં નાખવા માટે લીબું ખૂટે તો તેના ઘરેથી જ માંગવા જાય! ગરમા-ગરમ ઢોકળી ઉતારીને સૌથી પહેલા પાડોશીને ડીશ ભરીને ચખાડે એ શેરીનો પાડોશીધર્મ. ખટાશ માટે એક ટમેટું ‘ને લીંબુની લેવડ-દેવડ ચાલુ જ થાય તે એટલે શેરીની ઢળતી સાંજ.

related posts

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

દેવા શ્રી ગણેશા…!

દેવા શ્રી ગણેશા…!