દોસ્તી : એક ઝરુખો, સમયનો…!

 

ઢળતી સાંજે સુશ્રુત અને ચંદ્રા મૌન બઠા હતા. એક મોટો પથ્થર તે બંનેના હોવાની સાક્ષીમાં હતો. દરિયાના મોજા એ બંનેના હૃદયમાં ચાલી રહેલ પ્રશ્નો હતા. સફેદ ફીણયુક્ત પરપોટા સંવેદનાઓ જગાવતા હતા, જે તુરંત વિલીન થતા હતા. દિવસનો પાંખાળો ઘોડો કશો અવાજ કર્યા વિના જ પશ્ચિમ તરફ ઉડી રહ્યો હતો. આજે ચંદ્રા નજીક જ હતી, પરંતુ સુશ્રુત શૂન્ય હતો. ન જાણે કેમ? આજે કંઈ એવું તત્વ હતું જે ગળા સુધી ભરાઈને અટકી જતું હતું. ધીરે-ધીરે સમયનું સ્વરૂપ લંબાઈ રહ્યું હતું.

બંને સાથે ઉભા થઈને ચાલવા લાગ્યા. હજુ એકબીજાની આંખોમાં જોઈ શકાય એટલી સહજતા અનુભવતી નહોતી. પીળી રેતીના કિનારા પર, અંધારા-અજવાળા એકબીજા તરફ નજર કરતા અચકાતા હતા. ચંદ્રાની આંખો બરાબર મધ્યમાં હોવાને બદલે જરા ઉંચી હતી. આંખના કિનારા પાંપણથી ઢંકાયેલ હોવાને લીધે આંખો ઉદાસ લાગતી. તોફાની અને રમતિયાળ કિશોરી અને શાંત ઉદાસ તરુણી વચ્ચે કેટલો બધો ફર્ક હતો. જાણે થોડા સમયમાં સંબંધની ઉંમર મોટી ન થઇ ગઈ હોય…! ચાલતા-ચાલતા જાણે આજુબાજુની હવા ભારે થઇ ગઈ હોય.

કશુંક ખંખેરી નાંખતી હોય તેમ ચંદ્રાએ માથું હલાવ્યું અને પંદર વર્ષના સુશ્રુત તરફ જોયું.

“સુશ્રુત..!”

“શું?”

“આજે કંઈ ગમતું નથી. એક ગીત ગાઇશ?”

“કેમ નથી ગમતું?”

“બસ, અમસ્તું જ…! તું કોઈ ગીત ગા ને..”

“કયું ગાઉં? બોલ.”

“કોઈ પણ…!” ચંદ્રા શાંત થઇ ગઈ. અવાજ ફરી ગળામાં અટવાયો. આંખમાં આવેલા આંસુને સિફતાઈપૂર્વક ડ્રેસના છેડાથી લૂછ્યું.

“તું દર વખતે ગાય છે, એ ગાઈશ.?”

સુશ્રુત હસ્યો. “મને ગાતા આવડે છે, એવું તને કોણે કહ્યું?”

મીઠી મજાક સાંભળીને ચંદ્રા હસી.

“મને તો છે ને, આ હવા કાનોમાં કહી જાય છે. તને ખબર તો છે..!” હસતા-હસતા ચંદ્રા બોલી.

“હવા તારી દોસ્ત છે, વળી?”

“હાસ્તો. હવા, સાંજ અને આકાશ …અને ..”

“અને..”

“કંઈ નહિ. હવે, તું ગાઈશ?”

સુશ્રુત થોડી વાર શાંત રહ્યો. પછી તેણે ગાવાનું શરુ કર્યું. એટલી તન્મયતાથી ગયું કે આસપાસની બધી વસ્તુઓ તેની સાથે એકરૂપ થઇ ગઈ. પીળી રેતી, ફીણના પરપોટા, છોળો ઉછાળતા મોજા, શાંત કિનારો, કાળા પથ્થર, દરિયાની પછડાટ, છીપલાં અને પગની છાપ. આ દરેકમાંથી વિષાદી સંગીત નીકળ્યું. ચંદ્રા ચૂપચાપ સાંભળવા લાગી. અમુક શબ્દો સ્વરોને ઉલટાવીને સુશ્રુતે ફરી ફરીને ગાયા. અંતે, સ્વરો અટક્યા. ફરી મૌન એ સ્થાન લીધું. ગીતના સ્વરો અને સંગીતની ભીનાશથી હવા ભીંજાઈને વજનદાર બની ગઈ. બસ, ચંદ્રા જોઈ રહી.

ચંદ્રા એ સુશ્રુતની આંખોમાં જોયું. ફરી નજર નીચી પડી. હિંમત કરીને ફરી ઉઠાવી, “દરેક ક્ષણ એવું લાગ્યા કરે છે કે તું મને આજે શું પૂછશે? હું પ્રશ્નોના જવાબ નહિ આપી શકું તો?”

સુશ્રુત બોલ્યો, “તને ખબર છે, ચંદ્રા? તારા પપ્પા મને બહુ ગમેલા. એની પાસે હું બેઠો હોઉં ત્યારે હંમેશા મને એવું લાગ્યા કરે કે જાણે હું મારા સ્વર્ગસ્થ પિતાજી સાથે બેઠો હોઉં. એમને ફરી ફરી વાર મળવા માટે મારું મન વ્યાકુળ બન્યું છે. રસ્તા પરથી જતા તારા ઘરનો રંગ દેખાય એટલે મને કહે, ચાલ ને આજે અંદર જાઉં. કદાચ તારા પપ્પા ઘેર હશે તો?…”

ચંદ્રા બોલી, “તું ખરેખર સમજતો જ નથી, કે મારા મમ્મીને તું પસંદ નથી. તે તને અને આપણી દોસ્તીને નહિ સ્વીકારે.” અવાજમાં તિરાડો પડી અને શબ્દો તૂટવા લાગ્યા.

“સમજ્યો. તમે લોકો નગર છો અને હું ખેડૂતનો દીકરો.” સુશ્રુતનો અવાજ સજાવેલી ધાર જેવો બની ગયો. મન વ્યથિત થયું. ચંદ્રા તરફ પીઠ ફેરવીને આગળ ડગ ભરવા માંડ્યો.

“ગુસ્સો ન કરીશ, સુશ્રુત. મારા પપ્પા ખરેખર દુઃખી માણસ છે. તેમને તું ગમે છે, સુશ્રુત. તને કશી વાતની ખબર નથી.” ચંદ્રાનો અવાજ રૂંધાયો. સોમના પગ અટકી ગયા. ચંદ્રા એ સુશ્રુતનો હાથ પકડ્યો. આંગળીના ટેરવામાં કશુંક ઝણઝણાટ થયો. આંગળીઓ સુન્ન પડી ગઈ. લોહી જાણે થીજી ગયું. શરીરની અંદર એક સંગીત જન્મ્યું અને દરેક તંતુએ સાંભળ્યું. સુશ્રુત સંજ્ઞાહીન, વાચાહીન બનીને ઉભો રહ્યો.

ચંદ્રા મૃદુતાથી બોલી, “ખોટું ન લગાડીશ સુશ્રુત, પરંતુ તારી જાતે કદી તું આવતો નહિ. મને મળતો નહિ. કદી નહિ.” અને, અશ્રુનો બંધ તૂટ્યો. સુશ્રુતના હાથ પર ચંદ્રની આંખમાંથી વહેલા આંસુઓ ધારા બનીને દડી રહ્યા. સુશ્રુતે પોતાનો હાથ પાછો ખેંચી લીધો.

“મને કંઈ સમજાતું નથી ચંદ્રા…શું ..શું કહેવા માંગે..?” સુશ્રુતનો અવાજ તૂટ્યો.

“એક વચન આપીશ સુશ્રુત?” આંસુ લૂછીને ચંદ્રાએ સુશ્રુતને પૂછ્યું.

“શું?”

“પહેલા હા પાડ.”

સુશ્રુતે ફરી હાથ લાંબો કર્યો. તેનું આખું શરીર ફરી પહેલા દિવસની જેમ ઝણઝણી રહ્યું.

“મારે ઘેર કદી બોલાવ્યા વિના આવીશ નહિ.”

“આ તે પહેલા પણ કહ્યું, ચંદ્રા.” એક ઝટકા સાથે હાથ પાછો ખેંચ્યો. એક પથ્થર હાથમાં લઈને ગુસ્સાથી દરિયાના પાણીમાં ફેંક્યો. ચંદ્રા તેને નીચે પડતો જોઈ રહી.

“ચંદ્રા, તારા પપ્પા કહે છે : ગમે તેવી મુશ્કેલીઓ હોય, માણસે હસીને જીવી લેવું જોઈએ. હસીને નહિ, તો ગાઈને.” બસ, આટલું બોલીને સુશ્રુત ચાલતો થયો.

થોડી વાર શાંત વાતાવરણ રહ્યું. ચંદ્રા એ સુશ્રુતને બૂમ મારીને ઉભો રાખ્યો.

“મારા પપ્પાને સંગીતનો શોખ નાનપણથી જ છે. મારી મમ્મીને સંગીત પ્રત્યે બહુ ચીડ છે. મારા પપ્પાને જે ગમે તે દરેક વસ્તુઓ તરફ ચીડ છે.” સુશ્રુતથી દૂર ચાલી અને એક પથ્થર પર ફરી બેઠી. સાંજની હવામાં તેના ડ્રેસનો કથ્થાઈ રંગ ફરફરી ઉઠ્યો.

“મને ઘણી વાર થાય છે, હું ચૌદ વર્ષની નહિ..ચોવીસ વર્ષની છું. મારી ઉંમર કરતા હું બહુ મોટી થઇ ગઈ છું. એ ભૂલવા જ કદાચ, હું ખિસ્સામાં મમરા ભરીને ચાર વર્ષની છોકરીની જેમ ખાયા કરું છું.” ચંદ્રા બોલ્યે જતી હતી.

“પરિસ્થિતિ આપણને હંમેશા વિચાર કરવાની ફરજ પાડે છે.” સુશ્રુત બોલ્યો.

“પપ્પા કહે છે, અમારું ઘર એક કારાગાર છેં અને અમે બધા એકબીજાના બંદી છીએ.” ચંદ્રા બોલી.

ચંદ્રા એ ડોક ઉંચી કરીને સુશ્રુત તરફ જોયું. “મેં તને ઘણું ન કહેવાનું કહી દીધું છે, પણ તું બધું ભૂલી જજે.”

જે પથ્થર પર ચંદ્રા બેઠી હતા ત્યાં જઈને સુશ્રુત બોલ્યો, “ચંદ્રા, હું કઈ કરી શકું?”

“બસ, તારી સાથે વાત કરવામાં સારું લાગતું હતું. હવે, એ પણ નસીબમાં નથી.”

બંને નજીક ઉભા રહીને સૂરજને ક્ષિતિજમાં ભળતો જોઈ રહ્યા. તે નમ્યો, ડૂબ્યો, પડ્યો અને ખોવાયો. હૃદય એક વિચિત્ર લાગણી અનુભવી રહ્યું હતું. ચંદ્રા ફરી નાની છોકરી બની ગઈ હોય એવું લાગ્યું. એક પંખી જેવી – મનમાં થયું, ફૂલ જેવી કે ફૂલને આવેલા સપના જેવી? કે પછી પોતાને જ આવેલું કોઈ સપનું હતું? આંખ ચોળી. સુશ્રુત બોલ્યો, “આજની આ વાત મને હંમેશા યાદ રહેશે, ચંદ્રા.”

“આજની આ વાત હું હંમેશ માટે ભૂલી જઈશ.” તે હસી અને તેનો અવાજ ફરી ચંચલ, રમતિયાળ બની ગયો. “હું જાઉં છું, બહુ મોડું થઇ ગયું છે. આવજે તેમ નહિ કહું સુશ્રુત…બસ, સમજી જજે. સમય આવ્યે કદાચ સપનાને પાંખો ફૂટે.”

“જરા વાર ઉભી તો રહે, ચંદ્રા.”

“હવે ક્ષણ વારે નહિ…આવજે સુશ્રુત-“ તે ઝડપથી, લગભગ દોડતી હોય તે રીતે ચાલી ગઈ. છતાં, તેનાથી ‘આવજે ..’ તેમ કહેવાઈ ગયું. ઘેરાતા અંધારામાં તેના વસ્ત્રોનો રંગ ઝાંખો થયો. અદ્રશ્ય થયો. હવાની એક લહેર આવી અને તેના પગલા પર ઝીણી સૂવાળી રજ પાથરી ગઈ. સુશ્રુત થોડી વાર ઉભો રહ્યો અને પછી રસ્તા પર આવી ઘર તરફ વળ્યો.

વળી પાછા ચંદ્રાના પપ્પાના શબ્દો કાને અથડાયા, “દુઃખ તો જીવનમાં આવે. તેણે હસીને જીવતા શીખી લેવું જોઈએ.”

સુશ્રુત હસ્યો. જોર-જોરથી હસ્યો. અને, હસતો રહ્યો. ગળામાં બાઝેલો ડૂમો ઓગળ્યો. થીજેલા આંસુ આંખની ગરમીને લીધે બૂંદ બનીને વહી ગયા. હાસ્યનો રણકાર ખુલ્લા આકાશ નીચે દરિયાની રેતીના કણોમાં વિખેરાઈ ગયો.

 

 

related posts

कुछ भूल तो नहीं न रहें?

कुछ भूल तो नहीं न रहें?

અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં

અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં