દિલવાલી દિવાળી (5/5)

બીજે દિવસે સવારે સૌથી પહેલા દાદા તૈયાર થઈને ફળિયામાં બેઠાં હોય. ગામની સહકારી બેંક કાં તો ગલ્લે જઈને પાંચ-પાંચની નોટોનું બંડલ તૈયાર કરીને દાદા હિંચકો ઉતારીને બેઠાં હોય. હાથ હવે ધ્રૂજતો હોય અને રેઝર જૂનું હોય. સવારમાં અંધારામાં દાઢી કરી હોવાથી જડબાની પાછળ સહેજ રહી ગયું હોય. ટોપાઝની બ્લેડથી સહેજ લોહીની ટશ ફૂટી નીકળી હોય, પણ એ દબાઈ ગઈ હોય. ફાળિયું-પહેરણ પહેરીને દાદા શુભ્ર વસ્ત્રોમાં મહેમાનગતિ કરતા હોય. શહેરથી આવેલા છોકરાઓને જગાડવા જાતે જાય.

ચૂલે પાણી ગરમ થતું હોય અને અવરજવર વધતી જાય. ઘરની વહુઓ પણ કડક સાડીઓ પહેરીને પોતાના પતિદેવોના તૈયાર થવાની રાહ જોઈ રહેતી હોય. એકસાથે માવતરના આશીર્વાદ લેવા માટે ય એ ઉતાવળી થતી હોય. છતાં, પગે લાગવા ટાણે તેના છોકરાં અને પતિને આગળ ધકેલી સૌથી છેલ્લે આશીર્વાદ લે. બદલામાં દાદા પાંચ-પાંચની કડકડતી નોટો આપે. એક થાળીમાં બાએ વધેરેલ શ્રીફળની વહુએ કરેલી શેષની કચ્ચરો, સાકરના ગાંગડી અને તુલસીના પાન મૂકેલા હોય. બાજુમાં એક મુખવાસિયું હોય, જેમાં તલ-અળસીનો મુખવાસ હોય. મોંઘી મીઠાઈથી જ સ્વાગત કરવું તેવી માન્યતાનું વર્ષો પહેલા ખંડન થઇ ચૂકેલું છે. દેખાદેખી તો હતી જ નહીં. આવી નાની-નાની વાતોમાં ‘બીજાથી આગળ હું છું’, તેની સતત સાબિતી આપવા માટે લોકો જે પૈસાનો વેડફાટ કરે છે તે કદી હતું જ નહીં. આત્મિક સંતોષ નથી મળતો, તેમાં બીજાને ઉતારી પાડવાની ભાવના પોષાય છે.

છોકરાઓને રોકડી થાય. કોણે કેટલા આપ્યા? એની ચર્ચા બપોરે અગિયાર વાગ્યે ગામના પાદરમાં થાય. દૂંટી-ફૂટીવાળો મીઠો માવો ખાતી વખતે નવા પર્સમાં રહેલા પૈસાની ગણતરી થાય. સૌથી વધુ પૈસા પોતાના મમ્મી-પપ્પાએ જ આપ્યા હોય. નવા વર્ષને દિવસે કૉલેટી, ગુલ્ફી, બરફની પેપ્સી ખાવાની. ગામડે કદી શરદી કે તાવ ન આવે. છેવટે, આખો દિવસ ઘરના બધા છોકરાઓને બાપુજી ગામમાં ફેરવે. ગામના ઈતિહાસની વાતો કરે. એકબીજાને મળાવે, પરિચય કેળવે અને તેમના સંસ્મરણોને વાગોળે. ખેતી કેવી રીતે થાય તે સમજાવે, ગાડામાં બેસાડે અને ચક્કર મરાવે. ગામની નિશાળ કે જ્યાં તેઓ ભણ્યા હોય ત્યાં આંટોફેરો કરાવે અને પોતે કરેલી શરારતોને વહેંચે. ઢોર-ઢાંખર પાણી પીતું હોય ત્યાં હવાડે લઇ જાય. બધાને એક-એક કૉલેટી લઇ આપે અને મોજ કરાવે.

સમય પૂરો થાય. લાભ પાંચમના એક-બે દિવસ અગાઉ નીકળવાનું હોઈ ફરીથી થેલા પેક થવા માંડે. દાદા અને બા ફરીથી હિંમત હારી ગયા હોય તેવું જણાય. દીકરાઓ અને વહુઓ ફરીથી પોતપોતાને ઘેર જાય. આટલી મજા લૂંટ્યા પછી ફરી ઘેર જવું ન ગમતું હોય. કશુંક હજુ કહેવું હોય, વાતો કરવી હોય, ગામમાં હજુ એક આંટો મારવો હોય, હજુ કોઈકને મળવાનું રહી ગયું છે તેવું મનમાં ઊંડે-ઊંડે હોય. છતાં, એ અધૂરું મૂકીને ડેલાની વિરુદ્ધ બાજુએ મોં કરવું પડે.

 

IMG_2946IMG_2993IMG_3129

related posts

Who is ContentMan?

Who is ContentMan?

વિ આર સુપર મારિયો!

વિ આર સુપર મારિયો!