દિલવાલી દિવાળી (2/5)

….. અંતે, વહુ અને પાંત્રીસી વટાવી ચૂકેલો દીકરો ‘વ્યાજ’ સાથે ડેલે આવી રહે. જો કાર લઈને આવ્યા હોય તો નાનાં નાનાં, અરધા નાગાપૂગાં છોકરાઓની ઠઠ જામી પડે અને કારની પાછળ દોડે, ચિત્ર દોરવા અને સુવિચારો લખવા માટે એને ધૂળ ભરેલા કાચ મળી રહે. માવતરને પગે પડે અને ધમાચકડી શરુ થાય. દિવસ આખો નવા કપડાં પહેરીને ઢોલિયો ઢાળીને પાન-મસાલા ચોળવાના, બજારમાં આંટાફેરા કરવાના, વર્ષો પહેલા ગામની નિશાળમાં હાર્યે ભણેલા દોસ્તારુંને મળવા જવાનું, વાડીએ આંટો કરવાનો, ભાગિયાને શેઠ બનીને બધું પૂછવાનું, થોડોક રોફ મારવાનો, વટ પાડવાનો અને મજાઓ કરવાની. મસાલા ખાવાના, ચોળવાના અને ફાંદ ફેલાવીને ખાટલા પર બેસીને ઓડકાર ખાવાના. અમુક વળી પાછા ‘એખ્ખો વિહ’ ખાય ને પાદરની દુકાને વટથી માંગે. નમતી સાંજની વેળાએ સૌ કોઈ ભેળાં થઈને સુરત-મુંબઈ જેવા શહેરોમાં એકબીજાની પ્રગતિ, નફા-નુકશાન ’ને વાડીયુંમાં પાકેલ પેદાશની કોરી-કોરી વાતો કરે.

દેરાણી-જેઠાણીઓ ભેગી થઈને એકબીજા પર ડગ-ડગ ઉભી રહે. ઠચરી ’ને બરણી જેવા શરીર હોય એટલે મેડા સુધી તો પહોંચી જ ના શકે. ચૂલો જગાવતાં કલાક કરે અને બીજે દિવસેથી ગલ્લાંતલ્લાં શરુ કરે. કામચોરી શરુ થાય અને કુટુંબનું જે સભ્ય હાજર ન હોય તેની રસોડે, મેડામાં, ભંડકિયામાં અને ઓસરીમાં કામ કરતાં-કરતાં વાતો શરુ થાય. ઘોર-ખોદણીના આ પ્રસંગે શહેરની તમામ ભણેલી-ગણેલી બાઈઓ કકળાટ કરી મૂકે. આ દરેક અભિનેત્રીઓ એમના પતિઓની હાજરીમાં અચૂકપણે ભારોભાર પ્રેમ દર્શાવવા માટેનો સહજ અભિનય કરે. દાદાને ખોટું-ખોટું એવું લાગ્યા કરે કે મારી નસ્લ ‘કેટલી પ્રેમથી રહે છે.’

ઘરમાં એકમાત્ર સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ એટલે દાદા. ના કોઈ દ્વેષ કે ન કોઈ અપેક્ષા. ખુશીથી મઘમઘતો માણસ ઘરમાં એક જ હોય, તે એટલે દાદા. છોકરાંઓ તો હવે શહેરમાં જઈને કામ કરતા હોય એટલે ‘તમને બહુ ખબર ન પડે’ તેવું વાતવાતમાં સાબિત કરે અને ‘અમે હવે ખૂબ કમાયા છીએ, એટલે બાપાને બોલવાનું નહીં’ તેવી પ્રતીતિ થાય. પણ, માફી આપે એ બાપ. વર્ષો સુધી સારી મોલાત ન થઇ હોય ત્યારે સૂકીભઠ્ઠ ધરતીને ખેડી હોય, ઢેફાં તોડ્યા હોય, ઢોર-ઢાંખરને જીવની જેમ સાચવ્યા હોય અને આમને ઉછેર્યા હોય તેમનું કાળજું કેટલું કઠણ હશે! છતાં, એ શ્વેત પહેરણની અંદરનો માણસ પણ ખૂબ ચોખ્ખો હોય. એને કદી ઝૂંટવી લેતા આવડ્યું ન હોય, એટલે જે કમાયો એ પ્રમાણિકતાથી કમાયો હોય. એના જ દીકરાઓ એ.સી.ની ઓફિસોમાં બેઠાં-બેઠાં પ્યૂન કે કર્મચારીઓનો પગાર કાપીને પોતાનું પેટ ભરતા હોય ત્યાં પરિશ્રમની સુગંધ શું હોય તેને કેવી રીતે સમજાય? છતાં, એ હરખમાં ઓટ નહીં આવવા દે. બાએ બનાવેલા પેંડા દીકરાઓને આપશે. ‘શરદી થઇ જશે બા, રહેવા દો, દવા ચાલે છે, એને નહીં આપતા, પછી એ મૂકતો નથી…’ આવા કકળાટ સાથે બધી વાતમાં પાબંદી મૂકતી વહુને શું ખબર હોય કે, ‘ચોખ્ખાં ઘીના પેંડાની તાકાત શું છે?’ છોકરાઓ કોથળીઓના દૂધ પીને મોટાં થયાં હોય તેને આ દૂધની મીઠાશ અને ગુણની રત્તીભર ખબર ન હોય.IMG_3010IMG_2824IMG_2831

related posts

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)