જીવનને સાર્થક કરતુ ‘સમર્પિત સૌંદર્ય’…

સોક્રેટિસએ ‘ધ બેંકવેટ’ માં લખેલું છે કે, “વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધુ જાદુઈ અસર ઉપજાવે છે – એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે.” કામ – ક્રોધ – લોભ – મોહ – મદ – મત્સર – ઈર્ષા – સૃષ્ટિ – વિદ્યા – વ્યક્તિ…આવી અનેક વાતો પર આપણી નઝર ઠરતી હોય છે. પરંતુ, એ એકદમ પાયાવિહોણી છે. કહેવત છે ને , “જેવી દ્રષ્ટિ તેવી જ સૃષ્ટિ.” જેવા રંગના ચશ્માં ચડાવીને આપણે જોઈએ છીએ – નિહાળીએ છીએ – અનુભવીએ છીએ એવું જ લાગણી આપણી અંદર જન્મ લે છે.

socrates-quotes-2

કલ્પનાનું સૌંદર્ય તેની ચરમસીમાએ પહોચતું હશે ત્યારે એક નમૂનેદાર કાવ્યની પંક્તિ કે ગદ્યની ગજબ કરામત થતી હશે.

આંગળીના ટેરવે કલમ અને જીભના ટેરવે સરસ્વતી,

મનની માયાજાળમાં વિચારો અને આંખના પલકારામાં સૃષ્ટિ,

સ્ત્રીની કાયામાં ‘કામ’ અને મદિરાપાનના જામ,

મિત્રની નિ:સ્વાર્થ મિત્રતા અને ભાર્યાની સમર્પિત પતિવ્રતા,

આ બંદાની વ્યસ્તતામાં જ છે કદાચ સમર્પિતતા,

જીવનની સાર્થકતા ત્યારે જ ‘કંદર્પ’ જયારે હોય સમર્પિત સુંદરતા.

વિદ્યાની સુંદરતા એના પાવિત્ર્યમાં છે, જયારે વિદ્યાર્થીની સુંદરતા વિનય, નમ્રતા, શ્રદ્ધા, સમજણ, જીજ્ઞાસામાં રહેલી છે નહિ કે, બેંચ, કાગળ, પેન, પેન્સિલ. ધ્યેય લઈને પાછું ઘરે આવવું તે વિદ્યાને માટે સમર્પિત સુંદરતા છે. “વેદવિદ્યા વ્રત: સ્નાતક |” શિક્ષણ એટલે જે ઠોકી બેસાડવામાં આવે તે અને સંસ્કાર એટલે જે મનથી ઉપાડવામાં આવે તે. તેથી જ જુના કાળમાં શિક્ષણ એ એક સંસ્કાર કહેવાતું. માત્ર ‘બ્રેડ ઓરીએન્ટેડ’ નહિ પરંતુ ‘બ્રેઈન ઓરીએન્ટેડ’ શિક્ષણ આપીને શિક્ષણની સુંદરતા દર્શાવવામાં આવતી.

ભગવાને ‘કામ’નું નિર્માણ કર્યું છે, અને ભારતીય ઈતિહાસમાં શાસ્ત્રોમાં પણ અનેક લખાણો છે. ભારત દેશમાં વર્ષો પહેલા નિર્માણ પામેલા અવશેષો અને સ્થાપત્યોનો અભ્યાસ કરીશું ખ્યાલ આવશે કે આ દેશ કેટલી હદે પૂજક હશે. પરંતુ, તેની સુંદરતા ત્યારે જ કે જયારે માનસ ‘રામ’ અને ‘કામ’ બંને નિયંત્રણમાં રાખે અને તેથી જ બ્રહ્મચર્યની સંકલ્પના નિર્માણ પામી. ‘ઉપભોગની પાછળ ન માંડ્યા રહેવું’.

ગુણાતીત્ય, રૂપાતીત્ય સ્ત્રીને જોયા પછી આનંદોર્મિ ઉભી થાય છે તે સ્વાભાવિક છે. સ્ત્રીની સુકુમારતા, ઉષ:કાલની સુંદરતા, તારાઓની રમણીયતા જોવા મળે છે. અને તે ફરીથી જોવા મળે એવી અભિલાષા ઉત્પન્ન થાય છે. ‘બુદ્ધિમાં સાભિલાષા અને ચિત્તમાં સતત તેની સ્મરણ.’ આવી નઝર રાખવાની વૃતી એટલે શરીરને સૌન્દાર્યિક રીતે જોવાની ઉપાસના.

દરેકની અંદર એક બાળક હમેશા જીવંત રાખવું જરૂરી છે, પરંતુ બાલિશતા સર્વસ્વીકાર્ય નથી જ. યુવાન છે, પરંતુ અવિચાર, અસ્થિરતા, ઉન્માદ, ઉન્મત્તતા જરૂરી નથી પરંતુ ઉત્કટતા જરૂરી છે. પ્રારબ્ધના આધારે ચાલતો વ્યક્તિ એ યુવાન નહિ પરંતુ હાડ-માંસનું ખાલી પીંજરું છે. આવો યુવાન ક્યારેય ના ચાલે, સુંદરતા તો યૌવનની ત્યારે આવે જયારે એ પ્રારબ્ધનું નિર્માણ કરે. નેપોલિયન હમેશા એક સરસ વાત કહેતો કે, “ ‘ઈમ્પોસિબલ’ શબ્દ એ માત્ર મુર્ખના શબ્દકોશમાં જ હોય શકે.”

જેના દિલ-દિમાગમાં સૌંદર્ય ણા હોય તેની વાણીમાં સૌંદર્ય કઈ રીતે જન્મ લઇ શકે? હમેશા સ્વાર્થ, ઈર્ષા, ક્ષુદ્રતા, લાચારી અને નિરાશાની વાણીથી મોઢું વાસ મારતું હોય એમને પીપરમીંટ રાખવી જ પડે. પરંતુ, જેમની પાસે બુદ્ધિ અને વિચારોનું સૌંદર્ય આવે તે પોતાની વાણી જ પીપરમીંટ જેવી રસાળ બનાવી દે છે.

સુંદરતા તો એક વેશ્યામાં પણ અદ્ભુત હોય છે. પરંતુ તે કોઈના માટે સમર્પિત નથી. જયારે એક પતિવ્રતા સ્ત્રીની સુદરતા પોતાના પતિ માટે સમર્પિત છે, અને તેની જ કિંમત છે. એક શિક્ષક પોતાના વિદ્યાર્થી માટે સમર્પિત ભાવથી શિક્ષણ આપતો હોય તો તેની કિંમત છે. એક બાળક પોતાના પિતાનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હોય દરેક ક્ષણ એ તેની કિંમત છે. કોપી-પેસ્ટીયા સમાજમાંથી બહાર નીકળીને નિ:સ્વાર્થ મૌલિકતા દર્શાવવી અને તે પણ અન્યને માટે, તેને કિંમત છે.

ટહુકો:- “બીજો કહે તે સમજવાની તૈયારી, બીજો મારાથી શ્રેષ્ઠ છે તે માનવાની તૈયારી, બીજાના પર વિશ્વાસનો ભાવ અને બીજા પ્રત્યેનું નિરંહકારી આકર્ષણ, આ ચાર વાતો જ જીવનને સાર્થક કરતી સુંદરતાની જડીબુટ્ટી છે.”

related posts

તમારી કલમ જ તમારો તકિયાકલામ…!

તમારી કલમ જ તમારો તકિયાકલામ…!

ખુજલી!

ખુજલી!