“જિંદગી અટપટી તો છે ઘણી…”

અમદાવાદનું લાલદરવાજા બસ-સ્ટેન્ડ. સમય સવારે ૭:30. ઓલરેડી એક બસ હાથમાંથી નીકળી ગઈ.(હાસ્તો, હાથમાંથી જ ને વળી. એમ પણ ક્યાં ટાઇમ પર હોઈએ છીએ આપણે ? દરવાજો પકડીને ૫૦ મીટર ઘસાઇએ નહિ ત્યાં સુધી તો બસનો આનંદ નથી મળતો.). મન થયું કે ચલ મિત્રો આપણને દરરોજ ‘ગુડ મોર્નિંગ’ કહે છે તો હું પણ આજે આ 30 મીનીટના ટાઇમમાં ‘સુપ્રભાતમ’ કહી આવું ‘વોટ્સએપ’ પર.

અને ૧૭ જુન, ૨૦૧૪ ના ૭:૩૭ એ પ્રથમ મેસેજએ ‘ટુક…ટુક’ ૧૨ મિત્રોના મોબાઈલના નોટીફિકેશનમાં ડોકિયું કર્યું. અને મેસેજ હતો, “ Enjoy the day with full of fun, because it will never comes again. Good Morning.” માત્ર ૨ લાઈનનો આ મેસેજ. અને ધીરે ધીરે એ ચીમળાઈ ગયેલી અંગ્રેજી ભાષામાં લખેલા મેસેજને ગૌરવવંતી ગુજરાતી ભાષાએ રિપ્લેસ કરીને આજે મસમોટા વટવૃક્ષનું માળખું ઉભું કર્યું છે. જે લોકો વોટ્સએપમાં લાંબા નિબંધને જોઇને સ્ક્રોલ કરીને આગળ વધતા હતા, એ જ આજે ૨ લાઈનના મેસેજ્માંથી ૨ પેજના આર્ટીકલ સુધી પહોચી ગયા છે.

 

ક્યારે-શું?-થઇ જાય એ તો કોઈ સપનામાં પણ વિચારેલું હોતું નથી. અને જીવન એનું જ નામ છે, જે રોજ સવારે ઉઠીને સરપ્રાઈઝ આપે. અને એ સરપ્રાઈઝને ચીઅરફૂલી એક્સેપ્ટ કરે એ જ તો જિંદગીના સંગ્રામના સમરાંગણમાના સંઘર્ષમાંથી સોનું બનીને સહેજે સોળે કળાએ ખીલીને તપકી ઉઠે છે.(‘સ’ ઘણી વાર આવ્યો નહિ….!). ફિલસૂફ પી.ડી. ઓસ્પેન્સ્કીની એક સરસ કિતાબ છે. ‘ધ સ્ટ્રેન્જ  લાઈફ ઓફ ઈવાન ઓસોકિન’. એનો નાયક ઈવાન  ઓસોકિન એક ઓલિયા જાદૂગરને મળે છે. ઓસોકિન કહે છેઃ  ‘હું માણસ તો સારો છું. પણ છતાંય મારાથી કેટલીક ભૂલો,  કેટલીક ગરબડ થઈ ગઈ છે. આ ભૂલો અજાણતાં જ થઈ છે.  મારા અજ્ઞાનને લીધે થઈ છે. અંધારૂંહતું. રસ્તો અપરિચિત    હતો, ખાડો આવ્યો ને કોઈકનો ધક્કો લાગ્યો, ને ગબડી પડયો.  મારો કોઈ વાંક નહોતો. પણ મને ખબર જ નહોતી તો શું કરૂં?  કાશ, બીજી વાર ચાલુ તો ખાડામાં ન પડું! આ તો બનાવ  બની ગયો, બસ!’

જાદૂગરે કહ્યું, ચાલ હું તારી ઊંમર બાર વર્ષ ઘટાડી નાખું છું. હવે તું બાર વર્ષ પછી પાછો મને મળજે. ઓસોકિને વાયદો આપ્યો કે ‘હવે હું બદલાઈને જુદી રીતે જીવીશ. બસ, મારે એક મોકો જોઈતો હતો કે ફરીથી હું જીંદગીમાં ગલતીઓ ન કરૂં!’

બાર વર્ષે ઓસોકિન રડતો રડતો ફરી ફકીર પાસે પહોંચ્યો. એણે કહ્યું, ‘અફસોસ! ખાડો રસ્તામાં હતો કે મારામાં એ જ મને સમજાતું નથી. બાર વર્ષ ફરીથી જીવવામાં મેં એ જ બધી ભૂલો ફરીથી કરી, કે જે અગાઉ કરી ચૂક્યો હતો! કેવી નવાઈની વાત છે?’

ઓલિયાએ કહ્યું ‘હું જાણો હતો કે આમ જ થશે. તું કર્મ નવેસરથી કરવાની કોશિશ કર, પણ એ કરવાવાળો તો તું જ હોઈશ ને! યુ વિલ ડુ ઈટ અગેઈન એન્ડ યુ બીઇંગ ધ સેઈમ!’

ઓસોકિનની જેમ જ લાઈફ આપની પણ તદ્દન સમાંતરે જ ગતિ કરતી હોય છે. બસ, એ ભૂલોમાંથી શીખવાનું છે આપણે તો.  બહુ મોટો છોડ થઇ ચુક્યો છે. અને, એમાં જ તમારા જેવા રીડર બિરાદરો ઘણી વખત સારી કોમ્પ્લીમેન્ટ્સ આપીને સૂર્ય-પ્રકાશ પૂરો પડતા રહે છે. અને જે લોકો માત્ર વાંચીને જ દિલથી કોમ્પ્લીમેન્ટ આપે છે તેઓ ખાતર-પાણી પૂરું પાડે છે. અને હું , તુચ્છ લખવૈયો વાવણી કર્યે જ જાવ છું- ફળની આશા રાખ્યા વિના જ.

એ બસ-સ્ટેન્ડ પર નહોતું વિચારેલું કે આવી કૈક સફળતાનો એક ભાગ હોઈશ હું. સાતત્યનો અભાવ હતો એ અભાવને – ભાવમાં પરિવર્તિત કરીને મારી જાતનું જ સેલ્ફ- ઈવેલ્યુએશન કર્યું છે.

બસ જતા-જતા એટલું જ…

ટહુકો:

“માણસ પાસે કઈ ના હોય ત્યારે તેને ‘ભાવ’ નડે છે,

જયારે થોડું આવી જાય ત્યારે ‘અભાવ’ નડે છે,

અને જયારે સંપૂર્ણ મેળવી લે ત્યારે પોતાનો જ ‘સ્વભાવ’ નડે છે.”

 

related posts

જીતવું છે, હારીને પણ જીતવું જ છે!

જીતવું છે, હારીને પણ જીતવું જ છે!

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?