ઘોર ખોદણી !

સ્થિતિ : ઘરે પ્રસંગ છે.
પ્રવૃત્તિ : ઘોર ખોદણી
સહનશક્તિ : સોડાની બોટલના ગેસ જેટલી

એક વડીલ જમીને સોફા પર બેઠા છે. તેઓ કુટુંબમાં માન-મોભો-રૂતબો ધરાવે છે. કારણ કે, તેમનું જીવન વેલ-સેટ છે. અથવા તો, તેઓ પોતાની ક્ષતિઓ કે પોતાના ઘરનાં નકારાત્મક પાસાને પોતાના ઘરમાં જ દાબી દેવા સમર્થ છે. ઘરમાં આવતી કાલે એક પ્રસંગ છે. જેના આમંત્રણને માન આપીને તેઓ મહેમાન બને છે. ઘરના દરેક સભ્યો તેમને ઘરના વડીલ તરીકેનું સ્થાન આપે છે.

બીજી મહત્વની બાબત એ છે કે, તેમની પાસે વૈભવ અને રહેઠાણ – કુટુંબના અન્ય વ્યક્તિઓ કરતા વધુ સારા છે. તેમનું સમગ્ર પરિવાર શિક્ષિત છે. દિકરો અને વહુની પાત્રતા યોગ્ય છે. પોતે તેમના સમયમાં ખુબ સારા શિક્ષક પણ રહી ચૂક્યા છે. તેમની સંતાન આજે ખુબ સારી રીતે પોતાનો બિઝનેસ / જોબમાં સારું કરિયર ધરાવે છે. પરંતુ, વાર્તા અહીંથી શરુ થાય છે.

“જો ! સામે બેઠો (એમનો દિકરો), બારસો રૂપિયાથી શરૂઆત કરી હતી. ત્રણ-ચાર કંપની બદલાવી. હવે આજે પોતાની કંપની છે.”
આજુબાજુ બેઠેલા દરેક લોકો માત્ર હકારમાં જ જવાબ આપે છે. કારણ કે, વડીલ છે અને બુદ્ધિશાળી છે. એ સમયે કુટુંબીજનોને પોતે અશિક્ષિત કે મજૂરીકામ કરીને ઘર ચલાવતા હોય તેવો સંકોચ થાય છે. પોતાના સંતાનો પૂરતું ન ભણ્યા અથવા તે વડીલના સંતાન જેટલા આગળ નહિ જ વધી શકે – તેવી નિરાશાજનક લાગણી જન્મે છે. એ સમયે જ તે વડીલ બોલે છે,

“મેં કહ્યું હતું. આ કૉર્સ કરો. જેથી મારા દીકરાની સાથે જ લગાવી દઉં. બહુ બજારમાં દોડવું ન પડે. આજે જે તમારું ‘એક સાંધો ‘ને તેર તૂટે’ તેવી પરિસ્થિતિ છે, તેના કારણમાં તમે પોતે જ જવાબદાર છો. નસીબ બનાવવું પડે, સામે ચાલીને કઈ જ ન આવે.”
વાત સાચી લાગે છે. હવે આજુબાજુ બેઠેલ આધેડ વયના નાની-મોટી નોકરી કરતા વ્યક્તિઓ તેમના સંતાન તરફ જુએ છે. આ સમયે વાત ત્યાં આવીને અટકે છે, કે માત્ર સંપત્તિના આધારે જ કુટુંબમાં પણ વર્ગીકરણ કરાય ખરું? તે કેટલે અંશે યોગ્ય છે? પરંતુ, હજુ વાત અટકતી નથી.

“આજે X એમ્પ્લોયી મારા દીકરાની કંપનીમાં કામ કરે છે. ઘરના છોકરાઓ કહીએ તેમ કરવા તૈયાર જ ન થાય તો પછી બહારના લેવા જ પડે ને ! અને, જગ્યા છે જ. આપણા પોતાના દીકરાઓ માટે થઇ જ જાય.”
આ વાત પરથી એવું લાગે કે, આ વડીલ ખુબ સાચી અને સારી વાત કહી રહ્યા છે. હવે ત્યાં બેઠેલા દરેક લોકો તે શિક્ષિત વડીલની વાતને સમજતા હોય છે.

છતાં, તેઓ એવું વિચારે છે કે – ‘કદાચ હું મારા દીકરાને જે-તે કૉર્સ કરાવીને તેમણે ત્યાં મૂકું, અને તેઓ મારા દીકરાને જોબ આપે. ત્યારબાદ તે વડીલ બીજા કોઈના ઘરે જઈને ‘મેં જે-તે ભાઈના છોકરાને માટે ત્યાં લગાવી દીધો. ક્યાંય સેટિંગ નહોતું થતું તેને, અંતે મેં તેને લઇ લીધો.’ આવું કહે ત્યારે મારે સમાજમાં નીચા જોયા જેવું થાય. ખુદ્દારી તો હોવી જોઈએ ને !’

મહત્વની વાત એ કે, વ્યક્તિ હંમેશા એવું કેમ વિચારે છે કે – (જે-તે) માણસ તેનો ગોડફાધર બનશે? આજે કોઈનું કામ કરવામાં રસ કોને છે? સામે છેડે કોઈ વ્યક્તિ શા માટે તમારું કહ્યું કરે?

વાત ત્યાં આવીને ઉભી રહે છે કે, એ સમયે આ વડીલની વાત સાંભળીને ત્યાં બેઠેલા દરેક પુરુષો – કે જેમના સંતાન કૉલેજ કે સ્કૂલમાં ભણી રહ્યા છે. જેમની ઉંમર ૧૫+ છે. તેઓ એવું વિચારે છે કે, હું મારા દિકરો/દીકરી પાસે આ કૉર્સ કરાવું. જેથી ઘરની કંપનીમાં જ જોબ મળી જાય અને બધું વ્યવસ્થિત તેમનું સેટ થઇ જાય. ‘ફ્રિડમ ઓફ ડિસીઝીવ પાવર’નું કાતિલ ખૂન ! એ પછી તેમનું સંતાન પણ એ જ વિચારે છે કે, મને તો મારા સંબંધીને ત્યાં જોબ ફિક્સ જ છે. જો સંતાન ટેલેન્ટેડ હશે તો એવું વિચારશે કે, હું શા માટે એ ફિલ્ડ પસંદ કરું? અંતે, પેરેન્ટ્સ અને પેરેન્ટિંગ સિસ્ટમ ધૂળધાણી થઇ જાય.

દુનિયામાં દરેક શહેરો પોતાની પ્રકૃતિ પ્રમાણે શ્વાસ લેતા હોય છે. તો એ શહેરના કોઈ મહોલ્લામાં વસતા એક કુટુંબના દરેક વ્યક્તિનો ‘ટેસ્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ એકસમાન કઈ રીતે હોઈ શકે? જે-તે વ્યક્તિ પોતાના ઘરની સફળતાને દરેક જગ્યાએ કેમ ‘કૉપી-પેસ્ટ’ કર્યા કરે છે, તેના કારણમાં અનેક વર્ષો સુધી તડકે ચામડી બાળ્યા પછી અચાનક AC આવે ત્યારે તેની ઉંદર જેમ ઘરે-ઘરે ફરીને સમગ્ર ગામને કહેવાની પ્રથા જ હોઈ શકે. તકલીફ ત્યાં છે કે, તેમણે કોઈ ઓપિનિયન નથી જોઈતો. તેઓ કહે એમ દુનિયા કરે તેવી હઠ છે. અને, નિષ્ફળતા મળે ત્યારે પણ આવા મકોડાઓ ચોમાસાના વરસાદમાં દરમાંથી પોતાના અમુક વર્ષો પહેલા પોતે કહેલા આવા સિમ્પથીભર્યા વાક્યની સાબિતી આપવા પહોંચી જાય છે.
કુટુંબમાં સાથે પ્રેમનો વ્યવહાર હોય, નહિ કે પૈસાનો ! જયારે એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનવાની વાત આવે ત્યારે આવા વડીલોના આશીર્વચનની જરૂર હોય છે, નહિ કે હતાશાને વધુ ઊંડી કરવાની ! આવા ભાષણબાજી કરતા વ્યક્તિઓ માત્ર પોતાનું માર્કેટિંગ જ કરતા હોય છે, નહિ કે મદદ !

પેલું છે ને, “મારું મારું આગવું ‘ને તારું-મારું સહિયારું” – હું તો, “શેઠની શિખામણ ઝાંપા સુધી” જ રાખું. 😉 અને “ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.” 😉

(8 July, 2016)

related posts

“વસંત એટલે વાતાવરણમાં વહેતો પ્રેમનો વાસંતી વાયરો…!”

“વસંત એટલે વાતાવરણમાં વહેતો પ્રેમનો વાસંતી વાયરો…!”

સમય બહુ ઓછો મળતો હોય છે! ખરેખર?

સમય બહુ ઓછો મળતો હોય છે! ખરેખર?