‘કિલકાર’ જોઈએ કોઈક સ્પર્શનો !

 

એમ.ટી.વી. કોક સ્ટુડિયોના સોંગ્સ ચાલુ છે. ઇઅર-પ્લગ્સ કર્ણપટલને વાયોલિનના તાર માફક વગાડી રહ્યા છે. એ જ સીધા હૃદયના કર્ણક સુધી પહોંચીને બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ બનાવી રહ્યા છે. અવઢવમાં મુકાયેલ હૃદય અને મન વચ્ચે સવાલોની ઝડી લાગી છે. સંગીતના ઉતાર-ચઢાવ સાથે પ્રશ્નો તાલ મિલાવે છે. રોજની કેટલીયે લાગણીઓ સૂરજની જેમ ઝળહળ કરતી ઉગે અને ધુમ્મસની જેમ અવાજ કર્યા વિના જ ઓગળી જાય. આ સમયે હૃદયને ખબર છે કે મન સાથેના ઝઘડામાં હું જ જીતીશ. છતાં, એ જીતની ખુશી સેલિબ્રેટ કરવા માટે હૃદય મન પાસે જીતવા પહોંચી જાય છે. જ્યાં નિર્ણય નક્કી જ છે, છતાં મન ને હારવાની પણ ખુશી છે. પીડામાં ઉગતા અને નિરર્થકતામાં આથમી જતા જીવનને ધ્યેયનું મૂલ્ય આજે સમજાય છે.

સૂર્યકિરણ જો સ્વરમાં રૂપાંતરિત થાય તો તે અવાજ કોનો હોય? ઘંટ ના આ ટંકાર જ જો હવામાં ઉંચે જઈને તારા બની જાય. જાણે શિખરની ટોચ એક ઘંટ ‘ને તેને લીધે ઝળહળતું આકાશ નામનું આયખું. આ કલ્પિત વાત જેવું જ જીવન હોય છે ને…!

મીઠી જવાબદારીનો ભાર છે, જે સહજ ઉઠાવવો ગમી રહ્યો છે. દિલમાં દોડતા અને રસ્તાની કોઈ છોકરીએ અટકતા ફિતૂરને અલવિદા કહેવાયું છે. ઘણી વખત નદી બનીને ઝરણું પોતાનામાં સમાવી લેવાની આગ રોમ-રોમમાં જન્મ લે છે. એક તલપ ઉદ્ભવે છે, જે કદી શમતી નથી. શાંત રાત્રિમાં શ્વસતો શ્વાસ પણ બારીમાંથી બહાર નીકળીને મુગ્ધતાથી વાયુમાં વિખેરાઈ જવા માટે તત્પર બને છે. ઘણી બધી મિથ્યા વાતો, કૃત્રિમ સુખો અને ક્ષણિક દુઃખોની વચ્ચે, એક મહાનિરંતર, ચીર અંતહીન સાદ ફરીથી હૃદયમાં ગુંજવા લાગે છે.

નિર્ઝરતા ઝરણા જેવો મૃદુલ ઘોંઘાટ, પહાડની પાછળથી ડોકાતી ધવલતા અને જીવનની શાંતિ. સુંદરતા તરફ આગળ વધતા સપનાઓ, એ તરફ આંગળી ચીંધતા સ્વરો, જીવનના સપ્તરંગી મેઘધનુષ અને રસ્તા પર વધાવવા ઉભેલા કાંટા અને પથ્થરો. આ દરેક મૃદુ આલિંગન કરીને હૃદયને જગાવે છે અને તેમાં એક અધૂરી તલપ જન્મે છે. સમયની એરણ પર એ ક્ષણને ઘસાવું છે અને પથ્થરની કિનારીએ પણ સુગંધ ફેલાવવી છે. લાગણીઓના જળપ્રલય પહેલાની તાજી સોનેરી દુનિયા. પ્રસન્નતાથી ભરેલી આંખો અને નારાજ મન. કેમ સાથે હોઈ શકે બંને? એ તો તેનો ઉત્કટતા હતી.

રેડ ટોપની કિનાર પર પડેલી એક આંગળી પાતળી કટિ પર સ્પર્શતી હતી, જાણે હોઠની કિનારને કોઈ બીજો હોઠ સ્પર્શે. હૃદયે ત્યારે જવાબ આપ્યો, “આટલા વર્ષોથી જાણે તે માધુર્યને જ શોધતો હતો.” મન ને હારની શાતા મળી. છતાં, એ ખુશ હતું.

હાથમાંથી સરી પડેલ એ ક્ષણ એ ક્ષિતિજ પાસે ઉભેલા મન ને જઈને કહ્યું, “તમને હું મારા આનંદનો કોઈ સ્પર્શ આપી શકું?”

related posts

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

સમય બહુ ઓછો મળતો હોય છે! ખરેખર?

સમય બહુ ઓછો મળતો હોય છે! ખરેખર?