એનિ ‘વર્સ’ રી : વર્ષે સિંગલ રિ-ટેક લેતું એક ટૂંકું કાવ્ય

બે વિરચિત હૈયાઓ વચ્ચે પ્રણયાંકુર ફૂટે અને એ પ્રણયના બીજની વેલ થઈને શ્રદ્ધા અને પરસ્પરના વિશ્વાસને આધારે લાગણીઓ પાંગરે ત્યારે આ બીજાંકુરો લગ્નની વેદીએ એકબીજાની સાથે જિંદગી પ્રેમ અને માત્ર પ્રેમથી એક આત્મા બનવાનો નિર્ણય લે છે. આ ફિક્સ થયેલી મેચને જીવનપર્યંત અનેક લોકો સાક્ષી બનીને નિહાળતા હોય છે. અનેક ઉતર-ચઢાવ પછી જાણે ‘પ્રેમ’ નામનું તત્વ દુધમાં રહેલા કેસરની જેમ ઘોળાઈને રંગીન બનાવે અને એકબીજાની ઈચ્છાઓને મેઘધનુષ્યને કોંટા ફૂટે એમ ચાહે. ત્યારે પ્રેમ‘રસ’નો આસ્વાદ જ અપ્રતિમ હોય. સમજણની કોરી પાટીમાં એકડો ઘૂંટતા-ઘૂંટતા ભવિષ્યનો માર્ગ કઈ દિશામાં જાય છે એ ખ્યાલ નથી રહેતો. સુખ અને દુઃખના પડછાયામાં સ્વાનંદનો બલી ક્યારે ચઢી જાય છે એ અસાધ્ય બની જાય છે. એકબીજામાં રસતરબોળ થઈને તૃપ્તતાથી આગળ વધતી ગાડીમાં સ્પીડબ્રેકર પણ રીસામણા-મનામણા કરીને પસાર થઇ જાય છે. આવી ખાટી-મીઠી ‘લવ સ્ટોરી’ એટલે લગ્ન જીવન.

લોકો કહે કે, “વાસણ ઘરમાં હોય તો ખખડે તો ખરા જ ને ક્યારેક..!” અને, એક મહત્વનું રીપીટેબલ-સાયક્લિક અને ફિક્સ સમયે ઉદ્ભવતું કારણ એમાં હોય તો એ છે ‘એનિવર્સરી’. દિવસભરના દોડધામ પછી પણ માનુનીઓ(પત્નીઓ) એવી આશા રાખે છે કે પોતાના બાયલાઓ..સોરી..ભાયડાઓ આખા દિવસ મગજને ઘા મારી મારીને જેમ-તેમ કરીને દિવસ કાઢે અને છતાયે તારીખો યાદ રાખીને પોતાની શેરખાન પત્ની માટે બચોળિયું બનીને ગીફ્ટ પેક કરાવે. જો આ પરીક્ષામાં ‘નાર’વીર પાસ, તો આવનારી તિથી સુધી સ્વર્ગ જેવી શાંતિનો અનુભવ + અહેસાસ. પણ જો, ભૂલ્યા એટલે ગઈ બાજી હાથમાંથી. એ વીરને ‘નાર’ નો બનીને સમગ્ર વર્ષ રહેવું પડે, ઉપરથી દરેક વાતમાં આ ભુલાઈ ગયેલી વાતનો ભૂલેલો ટોન્ટ ફ્રિ માં વિશેષણ તરીકે લગાવીને સહન કરવો પડે, પછી  ભલે ને રાવણહથ્થા જેવો ઘા વાગતો હોય..!

એક પતિ તરીકે સ્થિતિ …
ઇન્ડોર મેચમાં તો ક્લીન બોલ્ડ,

આઉટડોર મેચમાં ના કોઈ તોડ..!



ગમતો નથી પરાજય શબ્દ,

ગમાડવો પડે છે ઘરમાં નિ:શબ્દ..!



ગેમ પ્લાનનો આધાર જાણે એનો મુડ,

હું બનીને સાંભળું મૂંગો જાણે માત્ર ઘૂડ..!



એલ.બી.ડબલ્યુ થયો ઇન લવ બિફોર વેડિંગ,

લગ્ન પહેલા અને પછી સતત ભરી ફિલ્ડીંગ,



આ તો થયો મારા ઘરનો હિસ્સો,

તમારે પણ રોજ બનતો હશે કિસ્સો..!

ભાર્યા(પત્ની ઉર્ફે શેરખાન ઓફ ધ હાઉસ) નો ભાર જ એટલો રહે છે અમુકને કે જેથી માથું પણ રોજ ભારે જ રહે છે જાણે દુનિયાનો ભાર પોતાના પર જ ન આવી પડ્યો હોય..!કેટલી બધી સ્કીલ જોઈએ આમાં તો..! સામે ચાલીને શહીદી વહોરવી એ કઈ સહેલું થોડું છે ?

“સાડીઓના ટોળામાં સંતાતા, અખતરાભર્યા ભોજન પચાવતા, ભગવાન બનીને મનની વાત જાણતા, કેશ-ક્રેડીટ-કાર્ડ બચાવતા, રસોઈ પછી કચરા અને વાસણ કરતા, રિસામણા પછી મનામણા કરતા, ખુબસુરત દુનિયાને પડતી મુકીને માત્ર એના જ ખોટા વખાણ કરતા, મેક અપના થોથાઓની જેમ સમયની સાથે વહેતા, ભૂલથી પણ ટોન્ટ ન મારતા, રેગ્યુલર રોતલ ને છાના રાખતા, લોકોની વચ્ચે ૨ પગલા પાછળ ચાલતા, કલાકોની શોપિંગ પછી પણ કઈ ના લીધું હોય છતાં ગુસ્સો રોકતા, ઘરે આવતાવેંત શરુ રહેતી સાસુ-વહુના ડેઈલી સોપ ક્યારેક જોતા, ગામ કરતા તું સારી છો એવું સાબિત કરતા, ‘તમને કઈ ખબર નથી પડતી..!’ આ વાક્ય મૂંગા મોઢે સાંભળતા….વગેરે વગેરે” આવડવું પડે.

આ પ્રેમ કેસરકઢેલી રબડી જેવો મલાઈદર હોય છે, જિંદગીના તાપમાં ઉકળીને અર્ક જેવો મીઠો અને તર્ક-વિતર્ક વિનાનો બને છે. એ વધુ ડીવોશનલ અને મેચ્યોર બને છે. કોઈ અપેક્ષા નહિ, બસ સમર્પણ અને ત્યાગ. મનને જીતવાની રમતો વધુ આસાન બનતી જાય છે. એક જ આત્મામાં બંને સાથે વિહરતા હોય આવો પ્રેમ. લગ્ન જીવન એ ભગવાન એ ગોઠવેલી એકમાત્ર ફિક્સ મેચ છે. છતાં, દરેક વળાંકો પર નવા અનુભવોની લ્હાણી કરાવે છે. દરરોજ નવું-નવું શીખવે છે. સપ્તર્ષિના તારાઓની માફક હમેશા દુનિયાના દરેક જોડકાઓ એકબીજાની સાથે મજબુત સાંકળથી જોડી બનાવીને રહે એવી શુભકામનાઓ…!
આવનારો સમય એટલે લગ્નગાળો. અને, એનિવર્સરીઓ પણ ઘણા લોકોની અત્યારે જ આવતી હશે. આ દરેકને તાજમહેલની પવિત્રતા જેટલી શુભકામનાઓ…!

ટહુકો :-
હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ,

પ્રારબ્ધ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.



ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

અડધીપડધી રાત મળે તો  ઝાકળ ઝાકળ રમીએ.

-‘ગની’ દહીવાલા

related posts

આવ સખી, રમીએ દરિયે, એક તું – એક હું !

આવ સખી, રમીએ દરિયે, એક તું – એક હું !

શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતી અઘરી નોટો!

શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતી અઘરી નોટો!